ટપ્પરની ફીડર કેનાલનાં ગાબડાંની મરંમતનું કામ યુદ્ધને ધોરણે ચાલુ

ટપ્પરની ફીડર કેનાલનાં ગાબડાંની  મરંમતનું કામ યુદ્ધને ધોરણે ચાલુ
ગાંધીધામ, તા. 17 : સંકુલની જીવાદોરી સમા ટપ્પર ડેમની ફીડર કેનાલમાં ગાબડાં પડયાં બાદ આજે ગાંધીનગરથી ઉચ્ચ અધિકારીઓએ પહોંચી આવી નિરીક્ષણ કર્યું હતું. આગામી દિવસોમાં જ ટપ્પર ડેમને નર્મદાનાં નીરથી છલોછલ કરી દેવા રાજ્ય સરકારનો મક્કમ નિર્ણય છે. નર્મદા કલ્પસર જળ સંપત્તિ વિભાગના અધિક સચિવઅને ચીફ એન્જિનીયર શ્રી કાનાણીએ ફીડર કેનાલની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે કેનાલના છેડા ઉપર 16 મીટરના ગાબડાંનું યુદ્ધનાં ધોરણે સમારકામ ચાલુ છે અને આજ સાંજ સુધીમાં ડેમમાં નર્મદાના નીરની આવક પૂરજોશમાં ચાલુ થઇ જશે તેવું જણાવ્યું હતું. હાલ ટપ્પર ડેમની જળ સ્થિતિ 422 એમસીએફટી હોવાની માહિતી તેમણે આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ ગાબડાંના કારણે નર્મદાના પાણીનો જરાય વેડફાટ નથી થયો પાણી ડેમને ભરવામાં જ વપરાશે. ફીડર કેનાલના લોન્ચીંગ એપ્રોચના ધોવાણને પૂરી દેવા સિંચાઇ સદનની  ટીમ મેન પાવર મશીનરી મટીરિયલ સાથે ખડેપગે છે.ડેમ સાઇટની મુલાકાત દરમ્યાન જિલ્લા સિંચાઇ વર્તુળના અધીક્ષક ઇજનેર શ્રી કોટવાલ, કાર્યપાલક ઇજનેર શ્રી પાડવી, નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી માતી, એસ.ઓ. શ્રી ડામોર, અંજાર પાણી પુરવઠા બોર્ડના શ્રી અંબવાણી, લાલાભાઇ આહીર ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમંત્રી અને અંજારના ધારાસભ્ય વાસણભાઇ આહીર છેલ્લા બે દિવસથી ફીડર કેનાલના સમારકામમાં સતત દેખરેખ રાખી ડેમ સત્વરે પૂર્ણપણે ભરાઇ જાય તે માટે અંગત ધ્યાન આપી રહ્યા છે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer