કચ્છમાં અકસ્માત-આપઘાતની જુદી જુદી ઘટનાઓમાં ત્રણ જણના પ્રાણ ગયા

કચ્છમાં અકસ્માત-આપઘાતની જુદી જુદી  ઘટનાઓમાં ત્રણ જણના પ્રાણ ગયા
ગાંધીધામ, તા. 17 : જિલ્લામાં માર્ગ અકસ્માત અને અપમૃત્યુના ત્રણ જુદા જુદા બનાવમાં યુવાન, આધેડ અને યુવાન પરિણીતાની જીવનયાત્રા પર પૂર્ણવિરામ મુકાઇ ગયું હતું. ભચાઉ તાલુકાના સામખિયાળી-લલિયાણા વચ્ચે છકડો પલટી ખાઇ જતાં મનજી ભચુ પ્રજાપતિ (ઉ.વ. 58)નું ગંભીર ઇજાઓથી તત્કાળ મોત નીપજ્યું હતું જ્યારે ચાર મહિલાઓને ઇજા પહોંચી હતી. મુંદરા તાલુકાના પ્રાગપર ચોકડી નજીક ટ્રેઇલર હડફેટે બાઇકચાલક યુવાન શક્તિસિંહ મયૂરસિંહ જાડેજા (ઉ.વ. 25)નું પ્રાણપંખેરું ઊડી ગયું હતું, જ્યારે અંજાર તાલુકાના મેઘપર કુંભારડીમાં યુવાન પરિણીતા પ્રેમિલાબેન શાંતિલાલ કન્નર (ઉ.વ. 20)એ ગળેફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી હતી. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ સામખિયાળી-લલિયાણા વચ્ચે માર્ગ અકસ્માતનો બનાવ સવારે 8.30 વાગ્યાના અરસામાં બન્યો હતો. જી.જે. 12 ઝેડ 5848 નંબરની છકડો રિક્ષાના આરોપી ચાલકે પૂરઝડપે છકડો ચલાવતાં પલટી ખાઇ ગયો હતો. છકડામાં સવાર આધેડ મનજીભાઇનું ગંભીર ઇજાઓથી તત્કાળ મોત નીપજ્યું હતું, જ્યારે રાધાબેન  અમાજી કોલી, ધર્મિષ્ઠાબેન રામા કોલી, બીનાબેન મોહનભાઇ અને ધનીબેન જેસા કોલીને હળવાથી ગંભીર પ્રકારની ઇજા પહોંચી હતી. અકસ્માત સર્જી આરોપી છકડોચાલક ફરાર થઇ ગયો હતો. પોલીસે વિનોદ નરશી પ્રજાપતિની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મુંદરા તાલુકાના પ્રાગપર ચોકડી નજીક ઓવરબ્રિજ પર માર્ગ અકસ્માતનો બનાવ ગત મોડી સાંજે 8 વાગ્યાના અરસામાં બન્યો હતો. આર.જે. 16 એચ. 9837 નંબરના ટ્રેઈલરના ચાલકે બાઇકને હડફેટે લીધી હતી. માથા સહિતના ભાગમાં ગંભીર રીતે ઘવાયેલા બાઇકચાલક શક્તિસિંહે સ્થળ પર જ દમ તોડી દીધો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અંજાર તાલુકાના મેઘપર કુંભારડી ગામમાં ભક્તિનગર વિસ્તારમાં અકસ્માત મોતનો બનાવ વહેલી સવારે 5થી 6.30 વાગ્યાના અરસામાં બન્યો હતો. હતભાગી પરિણીતાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ મોતનો માર્ગ અપનાવ્યો હતો. તેણીનો લગ્નગાળો એક વર્ષનો હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસે વધુ તપાસ હાથ?ધરી છે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer