ખેડૂતો જમીન સાચવે અને નવી પદ્ધતિ અપનાવે

ખેડૂતો જમીન સાચવે અને નવી પદ્ધતિ અપનાવે
ભુજ, તા. 17 : અત્યારે ઓછી મહેનતે વિપુલ કૃષિ ઉત્પાદન માટે ટેક્નોલોજીની મદદ સાથેની અનેક તકો મોજૂદ છે ત્યારે કચ્છના ખેડૂતો પોતાની જમીનને કૃષિ માટે સાચવે અને મશરૂમ ઉત્પાદન, મધ ઉછેર, શાક ઉત્પાદન ઉપરાંત ઓર્ગેનિક ખેતીથી પોતાની આવકને બમણી બનાવી શકે તેમ છે તેવો સૂર `કાઝરી' સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આયોજિત ખેડૂત મેળા અને પરસ્પર સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત તજજ્ઞોએ વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉન્નતિ કૃષિ મેળા, નવી દિલ્હીના ઉદ્ઘાટન સંબોધનના જીવંત પ્રસારણ સાથેના આ સમારોહમાં 600થી પણ વધુ ખેડૂતો, તજજ્ઞો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તાલુકાના કોટડા (ચકાર) સ્થિત સમાજવાડીના વિશાળ પરિસરમાં આજે યોજવામાં આવેલા આ ત્રિસ્તરીય કાર્યક્રમને ખેડૂતોની વિશાળ ઉપસ્થિતિ ઉપરાંત તજજ્ઞો સાથે તેમની જિજ્ઞાસાને બહાર લાવતા પ્રશ્નો અને તજજ્ઞોના સરળ ભાષામાં અપાયેલા માર્ગદર્શને કૃષિ મેળામાં જીવંત માહોલ જગાવ્યો હતો. કાઝરીના ટૂંકા નામથી ઓળખાતા કેન્દ્રીય શુષ્ક વિસ્તાર અનુસંધાન કેન્દ્રના વડા ડો. દેવી દયાલે ખેડૂતોની આવક કઈ રીતે બમણી થઈ શકે તેના વિકલ્પો વર્ણવતાં કૃષિકારોને જમીન અને પાણીની ચકાસણીને ખાસ ધ્યાને લેવા તેમજ મશરૂમનાં ઉત્પાદન, મધ ઉછેર, શાક ઉત્પાદન તેમજ લીલા ચારાના ઉત્પાદન માટેના નવા પાકોની વાવણી કરવા જણાવ્યું હતું. જિલ્લા પંચાયતના પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયાએ કચ્છમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મહત્ત્વતાને રેખાંકિત કરવાની સાથે ખેડૂત ભાઈ-બહેનોને સલાહ આપી હતી કે તેઓ ખેતીની આધુનિકતાને અપનાવે અને બજારની જરૂરિયાત અનુસારના પાકો તરફ વળે. તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારની ખેડૂતોને લાભકર્તા યોજનાઓની વિગતો પણ આપી હતી. રામકૃષ્ણ ટ્રસ્ટના મનોજભાઈ સોલંકીએ ઓર્ગેનિક ખેતી તરફ વળવાની હાકલ કરી હતી, તો સતપંથ સમાજવાડી-કોટડાના અધ્યક્ષ ધનજીભાઈ દેવજી ભગતે ખેતીક્ષેત્રના પોતાના અનુભવ વર્ણવ્યા હતા. ખેડૂતોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિલ્હીથી આયોજિત ઉન્નતિ મેળાના સંબોધનનું જીવંત પ્રસારણ પણ વિશાળ ટીવી ક્રીન પર નિહાળ્યું હતું, જેમાં મોદીએ કૃષિ વિજ્ઞાન કેન્દ્રોની ભૂમિકા વર્ણવી હતી. સમારોહમાં કોટડા(ચકાર)ના સરપંચ નરશીભાઈ રવજી ભગતે સ્વાગત પ્રવચન કર્યું હતુ. કાર્યક્રમમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગના અધિકારીઓ, એનજીઓ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેવીકેના રામનિવાસે આભારવિધિ કરી હતી. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer