ભુજની શાળાનાં બાળકોએ વિવિધ કાર્યક્રમ રજૂ કર્યા

ભુજની શાળાનાં બાળકોએ  વિવિધ કાર્યક્રમ રજૂ કર્યા
ભુજ, તા. 17 : અહીં લિટલ સ્ટેપ્સ મોન્ટેસરી હાઇસ્કૂલમાં 18મા વાર્ષિકોત્સવની ઉજવણી થઇ હતી. લિટલ સ્ટેપ્સ મોન્ટેસરી હાઇસ્કૂલ વર્ષ 2000થી સમયની માંગ પ્રમાણે જે વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણ છે તે આ શાળાની દરેક અભ્યાસિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં સમાવિષ્ટ થાય છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે શિક્ષણમાં જે બદલાવ સૂચિત કર્યો છે તે પહેલેથી જ આ શાળાની કાર્યપદ્ધતિમાં સામેલ છે. શિક્ષણમાં બદલાવ લાવવાની પહેલ આ શાળા દ્વારા કરવામાં આવી છે. આથી જ તેને વિદ્યાર્થી કેન્દ્રિત સંશોધનાત્મક શિક્ષણ માટે વિશ્વકક્ષાએ એવોર્ડ પણ મળ્યો હોવાનું એક યાદીમાં જણાવાયું હતું. કાર્યક્રમમાં નાના-નાના ભૂલકાઓએ `અમારું વિશ્વ' ડાન્સ રજૂ કર્યો હતો. પર્યાવરણ બચાવો, સ્વચ્છતા, સફાઇ અને પ્રગતિનો સંદેશ પ્રસારિત કરવા બાળકોએ ડાન્સ રજૂ કર્યો હતો. વર્તમાન સમયમાં કુટુંબમાં જે વિભક્તિકરણ જોવા મળે છે. તેની મર્યાદા દૂર કરવા બાળકોએ પરિવારના સભ્યોના જુદા જુદા પાત્રો ભજવીને  કલાકૃતિ રજૂ કરી હતી. મુખ્ય અતિથિ તરીકે મહારાવ પ્રાગમલજી ત્રીજા, પ્રીતિદેવી, દીપેશ શ્રોફ, પ્રીતિ શ્રોફ, શાળાના ટ્રસ્ટી મયૂરધ્વજસિંહ જાડેજા, દુર્ગાકુમારી જાડેજા, કૃતાર્થસિંહ જાડેજા,  સાવજસિંહ જાડેજા, ઇન્દ્રજિતસિંહ જાડેજા, જોરાવરસિંહ જાડેજા, પ્રમોદ જેઠી અને શંભુભાઇ જોષી હાજર રહ્યા હતા. પ્રમોદભાઇ જેઠી લિખિત `કચ્છ સાંસ્કૃતિક પત્રિકા' અંકનું વિમોચન આ કાર્યક્રમમાં કરાયું હતું. સમગ્ર વર્ષ દરમિયાન યોજાયેલી વિવિધ પ્રવૃત્તિઓ અને સ્પર્ધાઓમાં વિજેતા બાળકોને પ્રમાણપત્ર, શિલ્ડ, ટ્રોફી, મેડલ્સ આપી સન્માનિત કરાયા હતા. અંતે શાળાના આચાર્યા આરતીકુમારી જાડેજાએ આભાર માન્યો હતો. પ્રતિમા ગોરે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer