પુસ્તકાલય એ વર્તમાન સમયમાં મંદિર બરાબર : પદ્ધરમાં શીખ અપાઈ

પુસ્તકાલય એ વર્તમાન સમયમાં મંદિર બરાબર : પદ્ધરમાં શીખ અપાઈ
પદ્ધર, તા. 17 : ભુજ તાલુકાના આ ગામે જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા વી.કે. હુંબલ અને બાંધકામ સમિતિના ચેરમેન હરિભાઈ હીરાભાઈ જાટિયાના હસ્તે નવનિર્મિત પુસ્તકાલય અને આંગણવાડીને ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. ગ્રામ પંચાયતના પટાંગણમાં પદ્ધર ગ્રામ પંચાયત નિર્મિત પુસ્તકાલય અને જિલ્લા પંચાયત હસ્તકના આંણગાવડીના નવા મકાનનું લોકાર્પણ યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત વિપક્ષી નેતા શ્રી હુંબલે જણાવ્યું હતું કે પુસ્તકાલય વર્તમાન સમયમાં મંદિર બરાબર છે. આજે જ્યારે શહેરોમાં પણ પુસ્તકાલયો બંધ થઈ રહ્યા છે એવા સમયે પદ્ધર ગ્રામ પંચાયત દ્વારા આવું કાર્ય કરવા બદલ સમગ્ર પંચાયતની ટીમ અભિનંદનની  હક્કદાર છે. જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન શ્રી જાટિયાએ જણાવ્યું હતું કે, ગામના આંગણે જ આવી સરસ સુવિધા ઊભી થવાથી ગામના યુવાનોમાં સારા સંસ્કારો આવશે. તાલુકા પંચાયતના સભ્ય રાજેશ નારણ ખુંગલા, ઉપસરપંચ રાઘુ જીવા ખુંગલા અને ગ્રામ પંચાયતના સભ્યોએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. ગામના અગ્રણીઓ પાંચાભાઈ કોઠીવાર, સામતભાઈ ખુંગલા, ભાણાભાઈ ડાંગર, ભોજાભાઈ ખુંગલા, મ્યાજરભાઈ બરાડિયા વગેરે હાજર રહ્યા હતા. સંચાલન માધ્યમિક શાળાના શિક્ષક રમેશભાઈ જાદવ અને આભારવિધિ યોગેશભાઈ ખુંગલાએ કરી હતી. કન્યાશાળા, કુમારશાળા અને હાઈસ્કૂલના મુખ્ય શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. વ્યવસ્થા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer