ખેત ઉત્પાદનોના બજારભાવ જ ખેડૂતો પર કારી ઘા !!!

રાપર, તા. 17 : ખેતી કરે તે ખોવે... આવી વર્ષો જૂની કહેવત આજે સાચી લાગે તેવી સાચા ખેડૂતની વરવી સ્થિતિ છે. સાધન સંપન્ન અને પ્રગતિશીલ ગણાતો મુઠ્ઠીભર એક સફેદ કપડાવાળો ખેડૂતવર્ગ જે માત્ર કાગળ પર ખેડૂત છે. જમીન સાથે સીધો નાતો નથી એની વાત નથી પણ જે સાચે જ રાતોના  ઉજાગરા કરે, મોંઘા બિયારણ, મોંઘી દવા, મોંઘી ખેડ વડે જે ખેતી કરે છે તે વર્ગને ખેતઉત્પાદનના બજારભાવ સાવ ભાંગી નાખે છે. જેના હાથની સુંવાળપ જ ખતમ થઈ ચૂકી છે અને મેલાઘેલા કપડાંમાં કાયમ ધરતી માતા સાથે તાદાત્મ્ય સાધનાર આ વર્ગના કેટલાક લોકોએ કચ્છમિત્રને કહ્યું કે, વર્ષોથી ખેતીના ઉત્પાદનની બજાર પર મૂડીવાદીઓની જ પકડ રહી છે. કેવળ ખેતી પર જ નભતા વર્ગને ટકવું મુશ્કેલ છે. વાગડમાં અત્યારે મુખ્ય જીરુંનો પાક થયો છે. થોડાક દિવસો પહેલાં જીરુંનો ભાવ 40 કિલોના 9000 આસપાસ હતો. અહીં મણ લેખે ભાવ હોય છે અને એક મણ એટલે 40 કિલો ગણાય છે. પણ મૂડીવાદીઓને ખ્યાલ  છે કે હવે ખેડૂત પાસે જીરું આવ્યું છે. ભાવ મણના 5500 રૂપિયા !  એક મણે 3500નો કડાકો ! પૈસાની ખેંચવાળા ખેડૂતે વેચવા સિવાય આરો નથી એ માલેતુજારોને ગળા સુધી ખાતરી છે. એટલે કેટલાક માસ સુધી ભાવ સ્થિર અને નીચા રહે, જેવી ખેડૂત પાસેથી ઉપજ બજારમાં આવી જાય એટલે ભાવ ઊંચકાય ! ખેડૂત મોં વકાસીને બેઠો હોય, હા ખમતીધર હોય અને પૈસાપાત્ર હોય તે સાચવી રાખે અને ભાવ ઊંચકાય ત્યારે વેચે. ઊભડિયા ખેડૂત પાસે સંગ્રહની જગ્યા પણ ન હોય અને પૈસાની પણ ખેંચ હોય, એણે ક્યાં જવું ? ક્યાંક ધીરધારથી તો પૈસા લીધા હોય, હવે વધુ સમય સાચવે તો વ્યાજ પણ પડે, એટલે ગમે તેમ કરી વેચવું જ પડે. અને આ સમયનો મૂડીવાદીઓ લાભ  ઉઠાવે. ખેડૂતની વરવી સ્થિતિ જ રહે. ખેતીવાડીને સરકાર પ્રોત્સાહન આપે અને ખેડૂતની પાયમાલી કાયમની મટે તેવા પગલાં લેવાય તે જરૂરી હોવાનું અને ખેડૂતના ઉત્પાદનના પોષણક્ષમ ભાવો મળે તે જરૂરી હોવાનું આ વર્ગે જણાવ્યું હતું.  

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer