કચ્છમાં ટોલનાકાંને પગલે હડતાળની ચીમકી

ગાંધીધામ, તા. 17 : રાષ્ટ્રીય ધોરીમાર્ગોના નવીનીકરણ બાદ ઊભી કરવામાં આવેલી ટોલનાકાંની વ્યવસ્થા હવે શિરદર્દ સાબિત થઇ રહી છે અને આ અંગે આવેલા અખબારી અહેવાલને પગલે અહીંની અગ્રણી વેપારી સંસ્થા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સે વારંવારની રજૂઆતનો કોઇ પ્રતિભાવ નહીં મળતાં ખાંડા ખખડાવ્યાં છે. ચેમ્બરના માનદ્મંત્રી મુરલીધર જગાણીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે સમગ્ર દેશના તમામ ટોલનાકાંઓ ઉપર દરરોજ વાહનોની લાંબી લાંબી કતાર દેખાઇ રહી છે. કચ્છના મોખા, સામખિયાળી અને સૂરજબારી ટોલનાકાં પણ કચ્છની પ્રજા તથા વાહનચાલકો માટે શિરદર્દ ઊભું કરી રહ્યાં છે. આ સંદર્ભે ચેમ્બર ઓફ કોમર્સ છેલ્લા ઘણા લાંબા સમયથી નેશનલ હાઇવે ઓથોરિટી સમક્ષ રજૂઆત કરતી રહી છે. આમ છતાં આ પ્રશ્નના નિરાકરણ  અર્થે આ પ્રશાસન કોઇ  પગલાં લેતું નથી અને સંપૂર્ણ નિક્રિય રહે છે. પરિણામે દિવસે દિવસે ત્રણેય ટોલનાકાં ઉપર સમસ્યા વિકરાળ સ્વરૂપ ધરી રહી છે. અગાઉ ચેમ્બરે ને.હા. ઓથોરિટીના ગાંધીનગર તથા આદિપુરના અધિકારીઓ અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલા વ્યાપારીઓ સાથે એક સંયુક્ત બેઠક ગાંધીધામમાં યોજવાની દરખાસ્ત કરી હતી પરંતુ ઓથોરિટી તરફથી કોઇ જ પ્રતિભાવ આજ સુધી મળ્યો નથી. ચેમ્બરે જિલ્લા કલેકટર, પૂર્વ કચ્છ પોલીસવડા તથા ધારાસભ્યોને પણ સતત રજૂઆત કરી છે. પરંતુ આ પ્રશ્ને કોઇ ગંભીર જણાતું નથી તેવું આ યાદીમાં જણાવાયું છે. શું જવાબદારો કોઇ મોટા ગંભીર અકસ્માતની રાહ જોઇ રહ્યા છે ? તેવી લાગણી કચ્છની પ્રજા તથા વાહનચાલકો વ્યક્ત કરી રહ્યા છે. પરિણામે તાજેતરમાં જ ચેમ્બરે ગાંધીનગર સ્થિત ઓથોરિટીને પત્ર લખીને કડક શબ્દોમાં કચ્છના લોકોની લાગણી અને માગણીથી વાકેફ કરી છે. જો કોઇ ત્વરિત પગલાં નહીં લેવાય તો કચ્છની પ્રજાને નાછૂટકે ઉગ્ર આંદોલનનો રાહ લેવો પડશે તેવી ગર્ભિત ચીમકી તે પત્રમાં અપાઇ હોવાનું ચેમ્બરની યાદીમાં ઉમેરવામાં આવ્યું છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer