યુનિ. કોર્ટ સભામાં 114 પ્રસ્તાવ ચર્ચાશે

ભુજ, તા. 17 : કચ્છ યુનિવર્સિટીની વર્તમાન સેનેટ-કોર્ટના વર્તમાન સભ્યોની છેલ્લી સભા બની રહેનારી કોર્ટ સભા આગામી તા. 20મી માર્ચના સવારે 11 વાગ્યે યુનિ.ના વહીવટી બિલ્ડિંગમાં આવેલા કોર્ટ હોલ ખાતે મળશે. વાર્ષિક સામાન્ય સભા જેવી મહત્ત્વની બેઠકમાં આ વખતે 114 જેટલી મોટી સંખ્યામાં વિવિધ પ્રસ્તાવો પર ચર્ચા થશે. મોટી સંખ્યામાં પ્રશ્નોને લઇને  આ સભા પર શિક્ષણપ્રેમીઓની મીટ મંડાઇ છે. કેટલાક સક્રિય સભ્યોમાંથી મળેલી વિગતો પ્રમાણે હિસાબોને બહાલી જેવી બાબતો ઉપરાંત હંગામી કર્મચારીઓને કાયમી, તેમને ઇપીએફ, પુન: મૂલ્યાંકનમાં કથિત ગેરરીતિની તપાસ, ટેન્ડરિંગ કાર્યવાહીની તપાસ જેવા પ્રસ્તાવ ઊઠશે, જેની સભ્ય હરિસિંહ જાડેજા દ્વારા રજૂઆત થઇ હતી. અન્ય સભ્ય રમેશ ગરવાએ મૂકેલી રજૂઆતો પણ સમાવિષ્ટ થઇ, જેમાં કુલપતિ યોગ્ય નિમણૂક બાબતે  માહિતી અપાઇ, યુનિ. સંકુલમાં બેનરો લગાવવા, કર્મચારીઓની સિનિયોરિટી, વહીવટી સંચાલન અને પરીક્ષા કો-ઓર્ડિનેટર તરીકે લાલન કોલેજના અધ્યાપક નિયુક્તિ મામલે કાર્યવાહી, ગુણ વધારવાની કથિત ગેરરીતિ, જૂના ઠેકેદારોના કામો રિન્યૂ, સંકુલ જમીન દબાણ,  ઇસીના ઠરાવો વેબસાઇટમાં મૂકવા, ફિઝિક્સની  જગ્યાની તબદીલી, બંધ પીએચડી, પત્રકારત્વનો અભ્યાસક્રમ શરૂ કરવો વિ.નો સમાવેશ થાય છે. આ સિવાય અન્ય એક સભ્ય દીપક ડાંગરની 61 રજૂઆતો પ્રસ્તાવ તરીકે ચર્ચાશે. જેમાં એમ્બ્યુલન્સ સુવિધા, ગર્લ્સ હોસ્ટેલ ફરતે બાઉન્ડરી, મેસ,  વાઇવા મહેનતાણું, ડેવલપમેન્ટ ફી, કાયમી રજિસ્ટ્રાર સહિતની ભરતીઓ, વાઇફાઇ, હેલ્પ સેન્ટર, અદાણી મેડિકલ સંબંધી મુદ્દાઓ, ગેસ્ટહાઉસ રિનોવેશન વિ.નો સમાવેશ થાય છે. અલગ અલગ કોલેજોના પાંચ અધ્યાપકોએ પણ આદિપુરને એસેસમેન્ટ કેન્દ્ર, સાઇન્ટિફિક કેલ્કયુલેટર વાપરવા દેવું, પ્રેક્ટિકલ પરીક્ષાના મહેનતાણા, પરીક્ષકને  રોજનું ટી.એ., ઓબ્ઝર્વરમાં સમાન ડયૂટી, હોમ સાયન્સમાં એક્સટર્નલ, અનુભવના આધારે કામગીરી વિ. જેવા 16 મુદ્દા પર રજૂઆત કરી છે. દરમ્યાન શ્રી ગરવાએ જણાવ્યું કે, 70 સભ્યોમાં સુધરાઇઓ, જિ.પં.ના સભ્યો-પ્રમુખો, સાંસદ વિ.નો  સમાવેશ?થાય છે, પરંતુ આ લોકપ્રતિનિધિઓમાંથી કોઇએ સવાલો નથી મૂક્યા. શાસક પક્ષના હોય તો શું, વિદ્યાર્થીઓના શૈક્ષણિક મુદ્દા પણ ઉઠાવી શકાયા હોત. શ્રી ડાંગરે  સવાલ ઉઠાવ્યો કે  એબીવીપી કોલેજોમાં જઇ પ્રશ્નો ઉઠાવે છે પણ, સભાના આ મહત્ત્વના મંચનો ઉપયોગ કરી શકાયો હોત. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer