કચ્છમાં ચેટીચાંદ-દરિયાલાલ જયંતી ઊજવાશે

ભુજ, તા. 17 : કચ્છમાં સિંધી સમાજ અને લોહાણા સમાજ દ્વારા ચેટીચાંદ-દરિયાલાલ જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. ભુજ : કૈલાસનગર રઘુવંશી મિત્ર મંડળ દ્વારા શકિતનગર-1 તથા 2માં રહેતા કૈલાસનગરના રહેવાસીઓ રઘુવંશી લોહાણા તથા સારસ્વત બ્રાહ્મણ ભકતજનો માટે તા. 19ના સોમવારે દરિયાલાલ જયંતી નિમિત્તે બપોરે 12 કલાકે પૂજા-આરતી અને બપોરે 1 કલાકે મહાપ્રસાદ. ગાંધીધામ : ઝૂલેલાલ મંદિર ટ્રસ્ટ દ્વારા શિવ હોટલ પાસે ચેટીચંડ-સિંધી નવું વર્ષ તા. 18ના ઊજવાશે. જેમાં સવારે 7.30 વાગ્યે પૂજ્ય બહિરાણા સાહિબની પૂજા, 8.30 વાગ્યે આરતી થયા બાદ સવારે 10 વાગ્યે મંદિરથી શોભાયાત્રા સાથે 45 જેટલી ઝાંખીઓ-ફ્લોટ્સ સાથે નીકળશે. બપોરે જ્ઞાતિજનો-આમંત્રિતો માટે સમૂહપ્રસાદ, રાત્રે 9 વાગ્યે મુંબઇની વિખ્યાત પિન્કી માઇદાસાણી દ્વારા સિંધી મનોરંજન કાર્યક્રમ યોજાશે. ગાંધીધામ-આદિપુર સિંધી સમાજ દ્વારા તા. 18ના સાંજે 4 વાગ્યે આદિપુરના મદનસિંહ ચોકથી વિશાળ બાઇક રેલીમાં યુવાનો-મહિલાઓ ભાગ લેશે. સાંજે 7.30 વાગ્યે મહાઆરતી યોજાશે. ઇષ્ટદેવ દરિયાલાલ બાપાની જન્મજયંતી નિમિત્તે લોહાણા મહાજન દ્વારા તા. 18 રવિવારે રાત્રે 8 કલાકે હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદીનો હાસ્યરસનો કાર્યક્રમ પંડિત દીનદયાલ હોલ ખાતે, તા. 19ના સાંજે 4 કલાકે યુવક મંડળ દ્વારા બાઇક રેલી, ત્યારબાદ જૂની લોહાણા મહાજનવાડીથી શોભાયાત્રા મુખ્ય બજાર થઇ શહેરના ભાઇપ્રતાપ સર્કલ સુધી જશે, ત્યાંથી પંડિત દીનદયાલ હોલ ખાતે સંગીતમય મહાઆરતી પ્રશાંત સોની અને ગ્રુપ દ્વારા થશે તેમજ સાંજે 7.30થી મહાપ્રસાદનું આયોજન કરાયું છે. વાગડ લોહાણા રઘુવંશી પરિવાર દ્વારા પ્રથમ વખત ઇષ્ટદેવ દરિયાલાલદેવની જન્મજયંતી તા. 19ના ઊજવાશે. જયંતીની પૂર્વસંધ્યાએ તા. 18ના રવિવારે રાત્રે 8 કલાકે લોકસાહિત્ય અને હાસ્યકાર ઘનશ્યામભાઇ?લાખાણીનો હાસ્યરસ અને ભજન સંધ્યાનો પ્રોગ્રામ ભાનુશાલીવાડી, ભારતનગર ખાતે યોજાશે. તા. 19ના બપોરે 3.30 વાગ્યે પૂજનવિધિ નૂતન લોહાણા મહાજનવાડી, ભારતનગર ખાતે તેમજ શોભયાત્રા (રવાડી) સાંજે 4.30 બાદ મહાઆરતી સાંજે 7.30 કલાકે તથા સમૂહપ્રસાદ રાત્રે 8 કલાકે ભાનુશાલીવાડી ખાતે. શોભાયાત્રામાં ભાગ લેવા ઇચ્છતી કળશધારી બાળાઓ તથા વેશભૂષા માટે બાળકોએ પોતાનાં નામ તા. 18/3ના કાર્યક્રમમાં કાઉન્ટર પર નોંધાવી દેવાં. આદિપુર : લોહાણા સમાજ દ્વારા દરિયાલાલ જયંતી ઉત્સવ સમિતિ દ્વારા તા. 19ના બપોરે 4 કલાકે પૂજન-અર્ચન, આરતી દાતા પરિવારોના હસ્તે, શોભાયાત્રા (રવાડી)?સાંજે 5.30 કલાકે મહાજનવાડીથી નીકળશે, સમૂહપ્રસાદ સાંજે 7.30 કલાકે. દરિયાલાલ જયંતી પ્રસંગે સ્થાનિકે ત્રીસ જેટલા દાતા પરિવારો તરફથી સહયોગ પ્રાપ્ત થયો છે. માંડવી : દરિયાલાલ જયંતી નિમિત્તે લોહાણા મહાજનવાડી ખાતે સવારે 8.30 કલાકે પૂજા-આરતી મહાજનના પ્રમુખ હરીશભાઇ ગણાત્રાના હસ્તે, ત્યારબાદ શોભાયાત્રા તેમજ દરિયાલાલ મંદિરે સવારે 10.30 કલાકે આરતી બાદ બંદર (પોર્ટ)?ઉપર પૂજાવિધિ તથા પરત રામમંદિરે તેમજ બપોરે 12.30 કલાકે લોહાણા જ્ઞાતિજનો તેમજ સમસ્ત સારસ્વત મહાસ્થાનના જ્ઞાતિજનો માટે સમૂહપ્રસાદ યોજાશે. કુકમા : લોહાણા મહાજન દ્વારા તા. 19ના સવારે 8 કલાકે પૂજન-આરતી, 9.30 કલાકે દરિયાલાલ બાપાની રવાડી તેમજ બપોરે 12.30 કલાકે જ્ઞાતિજનો માટે સમૂહપ્રસાદ ટાંક સમાજવાડી, મોટા ચોક ખાતે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer