ઘોર કળિયુગ એ આનું નામ... માંડવી પાસે વિધવા પુત્રી સાથે પિતાનાં અડપલાં

ભુજ, તા. 17 : બંદરીય શહેર માંડવીની ભાગોળે ભુજ તરફના માર્ગ ઉપર કાર્યરત જૈન આશ્રમ પછવાડેના વિસ્તારમાં પિતા દ્વારા તેની યુવાન વયની અને વિધવા પુત્રી ઉપર નજર બગાડાઇ હોવાનો હળાહળ કળિયુગના દર્શન કરાવતો કિસ્સો સપાટીએ આવ્યો છે. આ મામલે પુત્રીએ પોલીસ ફરિયાદ લખાવ્યા બાદ તહોમતદાર પિતાની ધરપકડ કરી લેવાઇ છે.  પોલીસ સૂત્રોએ ફરિયાદને ટાંકી આ વિગતો આપતાં  જણાવ્યું હતું કે, પોતાના પિતા સાથે રહેતી ભોગ બનનારી   28 વર્ષની વયની વિધવા યુવતીને તેનો પિતા માંડવીનો રહેવાસી વાલજી વિશ્રામ કોળી ગઇકાલે બપોરે બળતણ કાપવાના કામ માટે નગરના પાદરમાં આવેલા મેઘજી સેજપાલ જૈન આશ્રમની પછવાડે લઇ ગયો હતો અને ત્યાં તેણે આ કૃત્ય આચર્યું હતું.આ ઘટનામાં આરોપી પિતાએ તેની આ યુવાન વયની વિધવા પુત્રી સાથે શારીરિક અડપલાં કરીને તેની છેડતી કરી હતી તથા સાથેસાથે આ વિશે કોઇને કહેજે નહીં નહિતર મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી તેવું પણ ફરિયાદમાં લખાવાયું છે. માંડવી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ગોપાલભાઇ ગઢવીએ તપાસ હાથ ધરતાં આરોપીની ધરપકડ કરી હતી.  

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer