અકસ્માત વળતરના એસ.ટી. સામેના ખોટા કેસમાં બે જણને એક વર્ષની કેદ

ભુજ, તા. 17 : અકસ્માતના કેસમાં વળતર માટે એસ.ટી. નિગમ સામે કરાયેલા જુદા-જુદા બે ખોટા દાવામાં જવાબદાર બંને વ્યક્તિને અદાલત દ્વારા એક-એક વર્ષની સાદી કેદની સજા ફટકારવામાં આવી હતી. ભુજમાં દાદુપીર રોડ ઉપર રહેતા જુસા-ઉર્ફે અધાભા સુલેમાન ઢોસા અને ભુજમાં દેવીપૂજક વાસ ખાતે માધવજી ફળિયામાં રહેતાં શરીફાબાઇ અયુબ બકાલી નામનાં વિધવા મહિલાને અત્રેના અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વી.ડી. મોઢ દ્વારા ભારતીય દંડ સંહિતાની કલમ 417 મુજબ તકસીરવાન ઠેરવી એક-એક વર્ષની સાદી કેદની આ સજા કરાઇ હતી.  આ સમગ્ર કેસની પૂર્વ વિગતો એવી છે કે વર્ષ-2003 દરમ્યાન એસ.ટી. નિગમના ધ્યાન ઉપર એવી વિગત આવી હતી કે અકસ્માતના કેસમાં નિગમની બસ કે ચાલકની સંડોવણી ન હોવા છતાં નિગમ સામે અકસ્માત વળતરના ખોટા દાવા કરાયા છે. આ પછી તંત્ર દ્વારા આ મામલે ફોજદારી ફરિયાદ દાખલ કરાવાઇ હતી, જેની તપાસ સી.આઇ.ડી. ક્રાઇમ દ્વારા કરાઇ હતી. આ કેસ ન્યાયાધીશ શ્રી મોઢ સમક્ષ ચાલ્યો હતો. જેમાં બંને આરોપીને સજા કરતો ચુકાદો અપાયો છે. આ કેસમાં સરકાર વતી મદદનીશ સરકારી વકીલ ડી.એમ. પરમાર હાજર રહ્યા હતા.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer