ભારતનો ફાઈનલ પ્રવેશ નિશ્ચિત

ભારતનો ફાઈનલ પ્રવેશ નિશ્ચિત
કોલંબો, તા. 12 : ભારતે આરંભિક ધબડકા બાદ બાજી સંભાળી લઇ શ્રીલંકાને રોમાંચક રીતે ટી-20ની મેચમાં પરાજિત કરી ત્રિકોણી નિદહાસ ટ્રોફીની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. શ્રીલંકાને 9 વિકેટે 152 રને સીમિત કર્યા બાદ ભારતે 17.3 ઓવરમાં જ ચાર વિકેટે 153 રન બનાવી મેચ પર કબ્જો કર્યો હતો. વિજયી લક્ષ્ય માટે મેદાને પડેલી ભારતીય ટીમને શરૂઆતમાં શ્રીલંકન બોલરો પરેશાનીરૂપ બન્યા હતા અને રોહિત શર્મા (11), ધવન?(8), રાહુલ (18) અને રૈના (27) જેવા બેટધરો 85ના કુલ જુમલા સુધી પેવેલિયનમાં જતા રહેતાં મુશ્કેલીની વેળાએ પાંડે અને કાર્તિક વહારે આવ્યા હતા. આ બંનેએ પાંચમી વિકેટ માટે અણનમ 68 રન જોડી ટીમને વિજયના કાંઠે લાવી હતી. પાંડેએ 31 દડામાં 42 અને કાર્તિકે 25 દડામાં 39 રન બનાવ્યા હતા. લંકા વતી ધનંજયે બે અને ફર્નાન્ડો, મેન્ડીસને 1-1 વિકેટ મળી હતી. આ પહેલાં આજે ત્રિકોણીય ટી-20 શ્રેણીની ચોથી મેચના પ્રારંભે વરસાદનું વિઘ્ન સર્જાયું હતું.  જેથી મેચ એક કલાક જેટલી મોડી શરૂ થઇ હતી અને 19 -19 ઓવરની કરાઇ હતી. શ્રીલંકાએ ભારતની ચુસ્ત બોલિંગ સામે નિર્ધારિત 19 ઓવરમાં 9 વિકેટે 152 રન નોંધાવ્યા હતા. શ્રીલંકા તરફથી એકમાત્ર કુશાલ મેન્ડીસે ભારતીય બોલરોનો મજબૂતીથી  સામનો કરીને 38 દડામાં 3 ચોગ્ગા, 3 છગ્ગાથી 55 રન કર્યાં હતા. ગુણાતિલકે 17, પરેરાએ 3, થરંગાએ 22, તિસારાએ 15 રન કર્યાં હતા. ભારત તરફથી યુવા ઝડપી બોલર શાર્દુલ ઠાકુરે શાનદાર પ્રદર્શન કરીને 4 ઓવરમાં 27 રનમાં 4 વિકેટ ઝડપી હતી. જ્યારે વોશિંગ્ટન સુંદરને 21 રનમાં બે વિકેટ મળી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer