જિંદા શહીદે કચ્છની સીમાના રખેવાળોનો હોંસલો બુલંદ કર્યો

જિંદા શહીદે કચ્છની સીમાના  રખેવાળોનો હોંસલો બુલંદ કર્યો
ભુજ, તા. 12 : આતંકવાદ સામે લડતા ઓલ ઇન્ડિયા એન્ટિ ટેરરિસ્ટ ફ્રન્ટના સ્થાપક અને ચેરમેન મનીન્દરજિતસિંહ બિટ્ટા ત્રણ દિવસ કચ્છના પ્રવાસે આવ્યા છે. `િજંદા શહીદ'નું બિરુદ પામેલા આ પંજાબી જવાંમર્દ આજે કચ્છના સરહદી વિસ્તાર ધર્મશાલાની મુલાકાત લઇ સરહદના રખેવાળોનો હોંસલો બુલંદ કર્યો હતો. દેશના જવાનોની સાથે દેશનો દરેક યુવાન છે તે પ્રતિપ્રાદિત કરવા 1994માં આ જ ધર્મશાલાના ઈન્ડિયા બ્રિજ પર તેમની અધ્યક્ષતા હેઠળ હજારો યુવાનોની હાજરીમાં યુવા કોંગ્રેસ દ્વારા સંઘર્ષ રેલી યોજી હતી તેના સંસ્મરણોને યાદ કર્યા હતા. આ પહેલાં આજે સવારે શ્રી બિટ્ટાએ ધર્મશાલા સ્થિત વોર મેમોરિયલની મુલાકાત લીધી હતી અને 1963માં શહીદ થયેલા જવાનોને સલામી આપી શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ પૂર્વે સીમા સુરક્ષાદળના મનોજ તિવારીએ તેમનું સ્વાગત કર્યું હતું. શ્રી તિવારીએ સીમા તેમજ અહીં થતી સુરક્ષા સંબંધી માહિતી આપી હતી. ઉપરાંત રાજ્ય સરકાર તરફથી માર્ગ, વીજળી, પાણી પુરવઠાની મળતી સુવિધાઓથી વાકેફ કરતાં શ્રી બિટ્ટાએ જણાવ્યું હતું કે, મેં અનેક સ્થળોએ સરહદોની મુલાકાત લીધી છે, જેની તુલનાએ અહીં જવાનોને રાજ્ય સરકાર તરફથી મળતી સુખ-સુવિધા નેત્રદીપક છે. આ વેળાએ તેમણે જવાનોને વિપરીત સંજોગોમાં દેશની સીમાની સુરક્ષા કરવા બદલ બિરદાવી હોંસલો બુલંદ કર્યો હતો. મનીન્દરસિંહના પગ ન હોવા છતાં કૃત્રિમ પગ વડે કાળો ડુંગર ચડી દેશની સીમાને નિહાળી હતી. ઉપરાંત વિશ્વ વિખ્યાત સફેદ રણની સૌંદર્યતાને નિહાળી અભિભૂત થયા હતા.  આ પ્રવાસ દરમ્યાન તેમની ઝેડ પ્લસ સુરક્ષાર્થે સિકયુરિટી ગાર્ડ તથા પોલીસ કાફલો અને કચ્છ યુવક સંઘ-મુંબઇના ઋષભ મારૂ તથા પુનિતભાઇ મામણિયા સાથે રહ્યા હતા.  શ્રી બિટ્ટા મંગળવારે ક્રાંતિતીર્થ અને બિદડામાં કચ્છ યુવક સંઘ સંચાલિત શાળાની મુલાકાત લેશે અને માંડવીના આઝાદ ચોકમાં સભાનું પણ આયોજન ગોઠવાઇ રહ્યાનું કચ્છ યુવક સંઘના અગ્રણીઓએ જણાવ્યું હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer