કચ્છ સરહદી ક્ષેત્ર છે, લોકોએ નિરંતર સતર્ક રહેવું જરૂરી

કચ્છ સરહદી ક્ષેત્ર છે, લોકોએ  નિરંતર સતર્ક રહેવું જરૂરી
ભુજ, તા. 12 : જમ્મુ-કાશ્મીર, પંજાબની સરહદ કરતાં કચ્છની સીમાએ એકંદરે શાંતિ છે પરંતુ ગમે ત્યારે કંઇપણ થઇ શકે છે. આથી દેશદાઝથી ભરપૂર કચ્છીજનો હંમેશાં સતર્ક રહે અને રાષ્ટ્ર પ્રત્યે સમર્પિતતાની ભાવનામાં કયારેય ઓટ ન આવે તે જોવાની સલાહ `િજંદા શહીદ'નું બિરુદ પામેલા મનીન્દરજિતસિંહ બિટ્ટાએ `કચ્છમિત્ર ભવન'ની લીધેલી મુલાકાત દરમ્યાન આપી હતી. ત્રણ દિવસની કચ્છની મુલાકાતે આવેલા મનીન્દરજિતસિંહે આજે કચ્છમિત્ર ભવનમાં આવી 24 વર્ષ જૂના સંસ્મરણો વાગોળીને કહ્યું કે, આજે જ્યારે મીડિયાની ભૂમિકા બદથી બદતર થઇ ગઇ છે અને `પીળા પત્રકારત્વ'થી લોકો પરેશાન છે ત્યારે લોક પ્રહરી તરીકેની `જન્મભૂમિ પત્રો'ના અખબારોની  ભૂમિકા  સરાહનીય છે. કચ્છમિત્રના તંત્રી દીપકભાઇ માંકડ અને મદદનીશ તંત્રી નિખિલભાઇ પંડયા સાથે રાજનીતિ અને રાષ્ટ્રીય સુરક્ષા સંબંધી ચર્ચા દરમ્યાન શ્રી બિટ્ટાએ જણાવ્યું કે, પોતાના અંગત અને પક્ષના આર્થિક હિતોને પર રાખીને દેશની સલામતી પ્રત્યે ધ્યાન દેનાર નેતા જ દેશનો સાચો નેતા છે. 1994ના યુવા કોંગ્રેસની સંઘર્ષ રેલી દરમ્યાનના અહેવાલો અને મુલાકાત તેમજ તસવીરો નિહાળી જૂના દિવસોમાં શ્રી બિટ્ટા સરી પડયા હતા. કચ્છમિત્રના દરેક વિભાગની મુલાકાત લઇ કર્મચારીઓ પાસેથી તેમની કામગીરી અંગેની જાણકારી મેળવી હતી. દરેક સાથે તેમણે હસ્તધૂનન અને `વંદે માતરમ્'થી અભિવાદન કર્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, આતંકવાદનો ખાતમો તેમનું જીવનલક્ષ્ય છે. એક સવાલના જવાબમાં એમ પણ ઉમેર્યું હતું કે આ દિશામાં મોદી સરકાર પ્રતિબદ્ધતાથી કામ કરી રહી છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer