ગાંધીધામ સંકુલનું જળસંકટ ટળ્યું

ગાંધીધામ સંકુલનું જળસંકટ ટળ્યું
ગાંધીધામ, તા. 12 : રાજ્ય સરકાર દ્વારા ટપ્પર ડેમને નર્મદાના નીરથી ભરવા અંગેના નિર્ણયને ગાંધીધામ સુધરાઇ પ્રમુખે આવકારી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. નગરપાલિકા પ્રમુખ ગીતાબેન ગણાત્રાએ એક યાદીમાં જણાવ્યું હતું કે સંકુલની ભાવિ પાણી સમસ્યાને કેન્દ્રમાં રાખીને સંબંધિત અધિકારીઓ સાથે સંકલન સાધી આગોતરી તૈયારી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે જાન્યુઆરી મહિનાના અંતમાં ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીના માર્ગદર્શન તળે વરસામેડી પંપ હાઉસ, ટપ્પર ડેમ, ભચાઉથી પમ્પીંગ સ્ટેશન નં. 3ની રૂબરૂ મુલાકાત લઇ જરૂરી માહિતી મેળવી હતી. પાણી વિષયક સમસ્યા અંગે જાગૃત નાગરિકોના અભિપ્રાયો લેવાયા હતા. આ માટે શહેરના દીપકભાઇ વોરાએ હકારાત્મક પ્રયાસો કર્યા હતા. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ગાંધીધામના આ પ્રશ્ન અંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સમક્ષ રજૂઆત કરાઇ હતી. જેના પરિણામે મુખ્યમંત્રીએ નર્મદાના પાણીનો જથ્થો ફાળવવા અંગે મહત્વનો નિર્ણય લીધો હતો. ટપ્પર ડેમને નર્મદાના પાણીથી ભરવાના પ્રથમ દિવસે જ પ્રમુખ ગીતાબેન ગણાત્રા, ઉપપ્રમુખ કાનજીભાઇ ભર્યા, નગરસેવક મોમાયાભા ગઢવી, પૂર્વ પ્રમુખ સુરેશભાઇ શાહ, શહેર ભાજપ પ્રમુખ દીપકભાઇ પારેખ, દીપકભાઇ વોરા, છગનભાઇ પરડવાએ ટપ્પર ડેમની મુલાકાત લીધી હતી. ગીતાબેન ગણાત્રાએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિતનો આભાર વ્યક્ત કરતાં કરકસરપૂર્ણક પાણી ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer