ભચાઉ પાસે નર્મદાની લાઇનમાં ગાબડું : પાણીનો વેડફાટ

ભચાઉ પાસે નર્મદાની લાઇનમાં  ગાબડું : પાણીનો વેડફાટ
ગાંધીધામ, તા. 12 : સરહદી અને સૂકો મનાતો આ જિલ્લો પીવાના પાણી માટે જેના ઉપર નિર્ભર છે તેવી નર્મદાની પાણીના લાઇનમાં ભચાઉ તાલુકાનાં ચીરઇ નજીક મોટું ગાબડું પડી જતાં લોકો માટે દુકાળમાં અધિક માસ સમાન સમસ્યા થઇ પડી હતી. આ ગાબડાંનાં કારણે આસપાસના 100 મીટર જેટલા વિસ્તારમાં તળાવ ભરાઇ ગયું હતું. જેનાં કારણે તૂટેલી લાઇન મરંમત કરવી અશક્ય થઇ ગઈ છે, પરંતુ આવતીકાલ સુધીમાં આ લાઇનનું રિપેરિંગ થઇ જશે તેવી ધરપત આપવામાં આવી હતી. કચ્છમાં માળિયાથી આવતી નર્મદાની લાઇનમાં ચીરઇ નજીક ગાબડું પડી ગયું હતું. આ મોટા પંકચરના કારણે પાણીના ફુવારા છેક ઊંચે સુધી ગયા હતા તો આસપાસના 100 મીટરના વિસ્તારમાં મોટું તળાવ બની ગયું હતું. આ બનાવને પગલે નર્મદાના અધિકારીઓ ત્યાં દોડી ગયા હતા પરંતુ આસપાસમાં તળાવ ભરાઇ ગયું હોવાથી ગાબડાંને રિપેર કરવામાં અસમર્થ રહ્યા હતા. આ લાઇન વરસામેડી સુધી જાય છે, ત્યાંથી એક લાઇન ગુંદાલા, માંડવી અને બીજી લાઇન માતાના મઢ, ખીરસરા વગેરે બાજુ જાય છે. ત્યારે આવતીકાલે ટપ્પર ડેમનું પાણી લઇ કચ્છને ફાળવામાં આવશે અને આવતીકાલે સાંજ સુધીમાં આ લાઇનમાં મરંમત થયા બાદ રાબેતા મુજબ પાણી વિતરિત કરાશે તેવું નર્મદાના સી.બી. ઝાલાએ જણાવ્યું હતું. એક બાજુ નર્મદાના નદીના નીર સૂકાઇ રહ્યાં છે. સરહદી એવા આ જિલ્લાને પ્રમાણમાં ઓછું પાણી મળે છે તેવામાં આજે આ ગાબડું થતાં લોકો માટે દુકાળમાં અધિક માસ સમાન થઇ પડયું હતું. દરમ્યાન 15-16 વર્ષ જૂની આ પાઇપલાઇન બદલાવાય તો જ આવી સમસ્યાઓમાંથી બહાર આવી શકાશે તેવી ચર્ચા પ્રબુદ્ધ વર્ગમાં થઇ રહી છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer