અંજારના સતાપર રોડ પાસેથી એક યુવાનની કોહવાયેલી લાશ મળી આવી

ગાંધીધામ, તા. 12 : અંજારના સતાપર રોડ ઉપર કતિરા પ્લાન્ટની પાછળ એક તળાવડીમાંથી પાલુ ડાયા મહેશ્વરી (ઉ. વ. 35) નામના યુવાનની કોહવાઇ ગયેલી લાશ મળી આવી હતી, તો લખપતના નરા બસ સ્ટેન્ડ નજીક બોલેરોમાંથી પડી જતાં લાલજી લખુ મહેશ્વરી (ઉ. વ. 18) નામના યુવાનનું મોત થયું હતું. અંજાર પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ મતિયાનગર ગુલાબ મિલ પાસે રહેતા પાલુ મહેશ્વરી નામનો યુવાન શનિવારે સવારે કામે જવા નીકળી ગયો હતો. બાદમાં ત્રણ દીકરીનો પિતા એવો આ યુવાન પરત આવ્યો ન હતો. દરમ્યાન આજે ઢળતી બપોરે સતાપર રોડ પર આવેલા કતિરા પ્લાન્ટની પાછળની તળાવડીમાંથી તેની કોહવાઇ ગયેલી લાશ મળી આવી હતી. આ યુવાને આત્મહત્યા કરી છે કે અન્ય કાંઇ છે તેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. તો બીજી બાજુ નરા ગામના બસ સ્ટેન્ડ પાસે બનાવ બન્યો હતો. લાલજી મહેશ્વરી નામનો યુવાન બોલેરો જીપ ઉપર બેઠો હતો. દરમ્યાન તે નીચે પટકાતાં તેનું મોત થયું હોવાનું પોલીસે જણાવ્યું હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer