કચ્છની 17.91 લાખ ચો.મી. ગૌચર જમીન પર દબાણ

અમદાવાદ, તા. 12 (અમારા પ્રતિનિધિ તરફથી) : રાજ્યના તમામ જિલ્લામાં ગાયો અને અન્ય પશુઓના ચરિયાણ માટે ગૌચરની જમીનો રાખવામાં આવે છે, પરંતુ આશ્ચર્ય વચ્ચે કચ્છની 17.91 લાખ ચો.મી સહિત રાજ્યના 31 જિલ્લામાં 4.72 કરોડ ચો.મી. ગૌચરની જમીન પર દબાણ થઇ જવા  પામ્યું છે. આજે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા ગૌચરની જમીન પર કરાયેલાં દબાણો સંદર્ભે પૂછવામાં આવેલા પ્રશ્નોના લેખિત ઉત્તરમાં રાજ્યના પંચાયત પ્રધાન જયદ્રથસિંહ પરમારે જણાવ્યું છે કે, રાજ્યના 31 જિલ્લામાં 4.72 કરોડ ચો.મી. ગૌચરની જમીન પર દબાણ થવા પામ્યું છે. તેમણે એમ પણ કહ્યું છે કે, ગીર અભયારણ્ય વિસ્તારમાં પણ 57.5358 હેક્ટર વિસ્તારમાં દબાણ થયેલું છે. તે પૈકી ખેતીનાં દબાણો 56.1757 હેક્ટર અને ધાર્મિક જગ્યાનાં 1.3601 હેક્ટર વિસ્તારમાં દબાણો થયાં છે. તેમના જણાવ્યા પ્રમાણે, આમાંથી જૂજ દબાણો 1987-88ના છે. જો કે, ત્રણ-ત્રણ દાયકા વીતી જવા છતાં પણ તંત્ર ગીર અભયારણ્યમાંથી દબાણો દૂર કરી શક્યું નથી. સરકાર દ્વારા અપાયેલા આંકડા મુજબ, સૌથી વધુ ભાવનગર જિલ્લામાં 49.96 લાખ ચો.મી., મહેસાણા જિલ્લામાં 43.60 લાખ ચો.મી., ગીર સોમનાથ જિલ્લામાં 41.94 લાખ ચો.મી., રાજકોટ જિલ્લામાં 17.50 લાખ ચો.મી., અમદાવાદ જિલ્લામાં 13.35 લાખ ચો.મી., અમરેલી જિલ્લામાં 6.51 લાખ ચો.મી., આણંદ જિલ્લામાં 11 લાખ ચો.મી., કચ્છ જિલ્લામાં 17.91 લાખ ચો.મી., પડદુ જિલ્લામાં 26.81 લાખ ચો.મી., વડોદરા જિલ્લામાં 1.91 લાખ ચો.મી., પોરબંદર જિલ્લામાં 13.28 લાખ ચો.મી., બનાસકાંઠા જિલ્લામાં 11.29 લાખ ચો.મી. મળીને અન્ય જિલ્લાઓની કુલ્લ 4.72 કરોડ ચો.મી. ગૌચરની જમીન પર દબાણ થવાં પામ્યાં છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer