અંજારનાં મેઘપર (બો)માં હત્યા પ્રકરણમાં ચાર શખ્સની ધરપકડ

ગાંધીધામ, તા. 12 : અંજારનાં મેઘપર બોરીચી નજીક નર્મદા કેનાલ પાસે પ્રવીણ નામના યુવાનની હત્યા પ્રકરણનો પોલીસે ભેદ ઉકેલી લઈ ચાર શખ્સોની ધરપકડ કરી હતી. પોલીસે આ અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે, વીડી બગીચા વિસ્તારમાં રહેનાર પ્રવીણ નામનો યુવાન ગત તા. 10/3ના સવારે કામ ઉપર જઈ રહ્યો હતો ત્યારે તેના ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી તેને પતાવી નાખવામાં આવ્યો હતો. આ યુવાન એક પરિણીતાને લઈને નાસી ગયો હતો. જેથી તેનું મનદુ:ખ રાખી યુવતીના સંબંધીઓએ આ બનાવને અંજામ આપ્યો હોવાનું જે-તે વખતે દર્શાવાયું હતું. દરમ્યાન આ બનાવની તપાસ કરનાર પોલીસે ગાંધીધામની પ્રગતિ હોસ્પિટલમાં કામ કરતા રમેશ છગન વાઘેલા અને તેના મિત્રો સોમનાથ ઉર્ફે રાહુલ વાસુદેવ ક્રિષ્નકુટ્ટી નાયર, અમરસિંઘ ગુલાબસિંઘ કુશવાહા અને અમૃત ભીખા દેવા ભીલ નામના શખ્સોને પકડી પાડયા હતા. પોલીસે જણાવ્યું હતું કે, પ્રવીણ નામનો યુવાન રમેશ વાઘેલાની બહેનને લઈને નાસી ગયો હતો. જેનું મનદુ:ખ તેણે રાખ્યું હતું અને પોતાના મિત્રોને પોતે રૂા. 1 લાખ આપશે તેવું જણાવી પ્રવીણની હત્યા કરવા માટે તૈયાર કર્યા હતા. અગાઉથી ઘડાયેલી નીતિ મુજબ આ ચારેય શખ્સો માર્ગ ઉપર ઊભા હતા અને પ્રવીણને રોકી તેના ઉપર છરીથી હુમલો કરી તેને પતાવી નાખ્યો હતો. આ ચારેયને આવતીકાલે રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાશે. આ કામગીરીમાં પી.આઈ. બી.આર. પરમાર સાથે સ્ટાફ જોડાયો હતો. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer