પ્રિસ્કૂલથી ઉચ્ચ શિક્ષણ સુધી ગાંધીધામ બન્યું સજ્જ

પ્રિસ્કૂલથી ઉચ્ચ શિક્ષણ સુધી ગાંધીધામ બન્યું સજ્જ
આઝાદી બાદ પુન:વસનની પીડામાંથી નિર્મિત થયેલા કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામ સંકુલમાં ઔદ્યોગિક ક્ષેત્રની સાથોસાથ શિક્ષણ ક્ષેત્રનો પણ નેત્રદીપક વિકાસ થયો છે. શાળાકીય શિક્ષણ તો અહીં શ્રેષ્ઠત્તમ છે, સાથોસાથ ઉચ્ચ શિક્ષણની નોંધપાત્ર સુવિધા પણ આ સંકુલમાં જ શહેરનાં બાળકોને સ્થાનિકે મળી રહે છે. ગાંધીધામ સંકુલની સ્થાપનાના ત્રણ વર્ષ બાદ એટલે કે વર્ષ 1950માં સંકુલના આદ્યસ્થાપક અને સ્વપ્નદૃષ્ટા ભાઈપ્રતાપ ડીયલદાસે કન્યા કેળવણીના હિમાયતી સ્વ. દાદી ક્રિષ્ના ભંભાણીને આદિપુર બોલાવ્યા અને ગાંધીધામ સંકુલની સૌપ્રથમ શિક્ષણ સંસ્થા મૈત્રી મંડળ દ્વારા આદિપુરમાં શરૂ કરવામાં આવી હતી. માત્ર 13 વિદ્યાર્થિનીઓથી શરૂ થયેલી આ શિક્ષણ સંસ્થામાં સેંકડો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. બાદમાં 1954માં તનસુખભાઈ પટ્ટણીએ ગુજરાત એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી. આમ '50ના દાયકામાં ગાંધીધામ, આદિપુરમાં બે શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા સંકુલમાં શિક્ષણની જ્યોત પ્રગટાવવામાં આવી હતી. હાલ રાજ્ય સરકાર દ્વારા કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા અનેક યોજનાઓ અમલી બનાવાઈ છે. પરંતુ ગાંધીધામની સૌપ્રથમ બે શિક્ષણ સંસ્થાઓ દ્વારા કન્યા કેળવણીને પ્રોત્સાહન જે તે સમયથી જ આપવામાં આવ્યું છે. '50ના દાયકાની શિક્ષણ ક્ષેત્રની પ્રગટેલી જ્યોત આજે સંકુલમાં વ્યાપકપણે વિસ્તરી છે. સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ ઉપરાંત સ્વનિર્ભર શાળા, કોલેજોની સંખ્યા સંકુલમાં અનેકગણી થઈ છે. અત્યાર સુધી દેશના મોટા શહેરોમાં જ જોવા મળતી સેન્ટ્રલ બોર્ડ સાથે સંકળાયેલી શાળાઓની સંખ્યા સંકુલમાં નોંધપાત્ર છે. દિલ્હી પબ્લિક સ્કૂલ, અમરચંદ સિંઘવી સ્કૂલ, કાકુભાઈ પરીખ સ્કૂલ, ડીએવી પબ્લિક સ્કૂલ સહિતની સીબીએસઈ સાથે સંકળાયેલી શાળાઓમાં અભ્યાસની સાથોસાથ ઈત્તર પ્રવૃત્તિઓ પ્રત્યે પણ પૂરતું ધ્યાન આપવામાં આવે છે. જેથી અભ્યાસની સાથોસાથ બાળકોનો સર્વાંગી વિકાસ થાય છે. આ ઉપરાંત ગુજરાત બોર્ડ સાથે સંકળાયેલી પી.એન. અમરશી હાઈસ્કૂલ, ગુરુનાનક સ્કૂલ સહિતની શાળાઓમાં પણ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને અગ્રતા આપવામાં આવે છે. કે.જી.થી ધો. 12 સુધીની 70થી વધુ શાળાઓ ગાંધીધામ-આદિપુરમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડે છે. તો ધો. 12 પછી પણ વિદ્યાર્થીઓને અમદાવાદ જેવા શહેરોની કોલેજથી સારું ઉચ્ચ શિક્ષણ, વિવિધ વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોની સુવિધા તો તોલાણી વિદ્યામંદિરની 7 કોલેજોમાં તેમજ અન્ય ખાનગી કોલેજોમાં ઉપલબ્ધ છે. ગાંધીધામ સંકુલમાં સ્વર્નિભર શાળાઓના વધેલા પ્રમાણથી શિક્ષણનું સ્તર સુધર્યું હોવાનો મત શિક્ષણવિદો્ વ્યક્ત કરી રહ્યા છે. આ ઉપરાંત શાળાઓમાં અભ્યાસેત્તર પ્રવૃત્તિઓનું પણ પ્રમાણ વધતાં શાળાકીય અભ્યાસ દરમ્યાન જ ગાંધીધામના વિદ્યાર્થીઓ રમતગમત ક્ષેત્રે પણ રાષ્ટ્રીય, રાજ્યકક્ષાએ સુવર્ણ, રજત ચંદ્રક મેળવી કચ્છનું અને ગાંધીધામ સંકુલનું ગૌરવ વધારે છે. બે શિક્ષણ સંસ્થાઓ દ્વારા શરૂ કરાયેલું શિક્ષણકાર્ય આજે વિવિધ સંસ્થાઓ દ્વારા આગળ ધપાવાયું છે. હાલ શિક્ષણક્ષેત્રે વધેલી ભૌતિક સુવિધાઓ અને અભ્યાસેત્તર પ્રવૃત્તિઓમાં પણ અગ્રેસર રહેલા બાળકોને જોઈને રાજ્યના અન્ય શહેરના બાળકો પણ ગાંધીધામ-આદિપુરની શાળાઓમાં અભ્યાસ માટે આવશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer