ભુજપુર ગામની બધી જ શાળાઓએ મળી 20 વર્ષ અગાઉ બાલમંદિર બંધાવનાર દાતાને સન્માન્યા

ભુજપુર ગામની બધી જ શાળાઓએ મળી 20 વર્ષ  અગાઉ બાલમંદિર બંધાવનાર દાતાને સન્માન્યા
ભુજપુર (તા. મુંદરા), તા. 12 : વિદેશમાં સ્થાયી થયા પછી પણ વતન પ્રત્યેની લાગણી જીવંત રાખી ગ્રામ વિકાસમાં ખૂટતી કડીઓ પૂરી કરવાની ખેવના ધરાવતા અહીંના અમેરિકા સ્થિત જૈન શ્રેષ્ઠી રમેશભાઇ મગનલાલ દેઢીઆ દ્વારા બે દાયકા પૂર્વ શરૂ કરાયેલા  શિશુ વિહાર બાલમંદિરનો સ્થાપના દિવસ તાજેતરમાં ઉજવાયો હતો. 1999માં શ્રી દેઢીઆને જાણવા મળ્યું  કે ગામમાં બાલમંદિર નથી. તુરત જ નિર્ણય લઇ પોતાના રહેણાંકના મકાનમાં બાલમંદિર શરૂ કરાવ્યું. બાદમાં નવો રૂમ બનાવી તેમાં સ્થળાંતર કર્યું. બાદમાં શિશુ વિહારમાં બાળકોની સંખ્યા વધતાં વધુ રૂમ બનાવી શૈક્ષણિક સુવિધામાં વધારો કર્યો. મગન મંદિર તેમજ સાકર મંદિરમાં બે દાયકાથી ચાલતી સેવાનો તમામ ખર્ચ શ્રી દેઢિયા ભોગવી રહ્યા છે. સ્થાપના દિવસની ઉજવણીમાં ગામની બધી જ શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયું હતું. દાતા રમેશભાઇનું સ્થાપનાના પ્રથમ વર્ષમાં બાલમંદિરમાં પ્રવેશેલા અને બે દાયકા પછી પોતાની કારકિર્દી  બનાવી ચૂકેલા યુવાનો દ્વારા  પાઘડી પહેરાવી સન્માન કરાયું હતું. તેમજ બાલમંદિર પરિવાર તરફથી માયાબેન તેમજ રમેશભાઇનું સન્માનપત્ર આપી બહુમાન કરાયું હતું.  સ્થાનિક ગ્રામ પંચાયત માધવ ગૌસેવા સમિતિ વિ. તરફથી પણ દાતાને સન્માનવામાં આવ્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર બાળકોને શ્રી દેઢીઆ તરફથી રૂા. 25000 તેમજ ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા પુરસ્કાર અપાયા હતા. શિક્ષણ માટે હંમેશાં તત્પરતા દાખવતા શ્રી દેઢીઆ ગામની બધી જ શાળામાં પ્રીતિ-ભોજન, શાળામાં ખૂટતા શિક્ષકો આપવા, શાળામાં કોમ્પ્યુટર આપવા તેમજ અન્ય આર્થિક સહયોગ વર્ષોથી આપી રહ્યા છે.  સ્થાનિક પાંગળાપોળને પણ તેઓ વર્ષે મોટી રકમનું દાન આપી રહ્યા છે. તેઓ સ્થાનિકે આવે ત્યારે ઝીણવટભરી નજરે સમગ્ર માહિતી મેળવીને આર્થિક સહયોગથી અધૂરાશો પૂરી કરતા હોય છે. તેઓ  દિવસનો મોટાભાગનો સમય સેવાકીય પ્રવૃત્તિમાં જ ફાળવતા હોય છે. સ્વાગત પ્રવચન વિનોદભાઇ પીઠડિયાએ કરી સહુને આવકાર્યા હતા. બાલમંદિરની પ્રગતિનો બે દાયકાનો વિસ્તૃત અહેવાલ આચાર્યા પુષ્પાબેન પીઠડિયાએ આપ્યો હતો. સરપંચ મેઘરાજ ગઢવી, તા.પં. સદસ્યા નિર્મળાબેન દેઢીઆ, ભાજપ કિ.મો. પ્રમુખ મહેન્દ્રભાઇ ગઢવી, મેઘરાજભાઇ જસાણી, કિરીટભાઇ સોની, દિલીપભાઇ કંદોઇ ગામની બધી જ શાળાના આચાર્યો, શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં શિક્ષણપ્રેમી ભાઇઓ/બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન મ.શિ. આશારિયા ગઢવીએ તેમજ આભારવિધિ નયનાબેન રાવલે કરી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer