રામપર-વેકરાની 18 વર્ષીય યુવતી પાંચ દિવસથી લાપતા

કેરા (તા. ભુજ), તા. 12 : ચોવીસીનાં રામપર ગામની 18 વર્ષીય યુવતી તા. 8/3ના લાપતા થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. લવજેહાદની શંકા વ્યક્ત થતાં પ્રાથમિક સમાચારો વહેતા થવા સાથે સમાજમાં રોષ ફેલાયો છે. 8મી માર્ચે મહિલાદિન હતો તે દિવસે જ આ ઘટના બની હતી. રામપરથી ભુજ કોલેજ બસમાં અપડાઉન કરતી આ યુવતી કાલે હું નહીં આવું મારી રાહ ન જોજો.. બહેનપણીઓને આવું કહી બીજા દિવસે સવારે 6.30 વાગ્યાથી લાપતા બની હતી. શરૂઆતમાં શોધખોળ પછી તા. 10/3ના નોંધાવાયેલી પોલીસ ફરિયાદમાં તેમના માતા-પિતાએ વિધર્મી શખ્સો દ્વારા અપહરણ કે લવજેહાદની દહેશત વ્યક્ત કરી હતી. સમગ્ર મામલો કચ્છી લેવા પટેલ સમાજ પાસે પણ પહોંચ્યો હતો. ચોવીસીમાં ઘટનાના ખબર ફેલાતાં જો લવજેહાદ કે છોકરીઓને ફસાવવાનો પ્રયાસ હોય તો માફીને પાત્ર નથી તેવો ફીટકાર વરસવા સાથે રોષ ફેલાયો છે. દરમ્યાન ચોવીસીમાં લેવા પટેલ જ્ઞાતિમાં એક જ અઠવાડિયામાં આ બીજી યુવતી ગુમ થઈ છે. બળદિયાની યુવતીએ લગ્નસંબંધી જાહેરાત કરી હતી જ્યારે રામપરની આ યુવતીના હજી કોઈ સગડ મળ્યા નથી. દરમ્યાન પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ જેતપુર બાજુ લોકેશન ડિટેક્ટ થયું હતું. આ ગંભીર મામલે લોકપ્રતિનિધિઓનું મૌન પણ લોકો માટે ચર્ચાનું કારણ બન્યું છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer