ટ્રેનમાંથી દારૂ સાથે ઊતરેલો ભચાઉનો શખ્સ ઝડપાયો

ગાંધીધામ, તા. 12 : શહેરનાં રેલવે મથકે મુંબઇથી આવેલી ટ્રેનમાં ઊતરેલા ભચાઉ શહેર ભાજપના પ્રમુખના પુત્રની રેલવે પોલીસે ધરપકડ કરી તેની પાસેથી રૂા. 45,300નો અંગ્રેજી શરાબનો જથ્થો જપ્ત કર્યો હતો. અહીંની રેલવે પોલીસ આજે સવારે પેટ્રોલિંગમાં હતી. દરમ્યાન મુંબઇથી કચ્છ એક્સપ્રેસ ટ્રેન આવતાં તેમાંથી થેલા અને ટ્રોલી બેગ લઇને ભચાઉનો અભિષેક ઉમિયાશંકર જોશી નામનો શખ્સ ઊતર્યો હતો. આ શખ્સ પોલીસને શંકાસ્પદ લાગતાં પોલીસે તેની પાસે રહેલા થેલાઓની તલાશી લીધી હતી. આ શખ્સના થેલામાંથી દારૂ નીકળી પડતાં તેની અટક કરવામાં આવી હતી. તેની પાસેથી જુદી-જુદી બ્રાન્ડની નાની-મોટી 354 બોટલ તથા બિયરનાં 96 ટીન એમ રૂા. 45,300નો દારૂ અને થેલા, મોબાઇલ, રોકડ સહિત કુલ રૂા 48,700નો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ભચાઉ શહેર ભાજપના એક પ્રમુખ જુગાર પ્રકરણમાં આવી ગયા અને બીજાનો પુત્ર દારૂ સાથે ઝડપાતાં ચકચાર જાગી છે. ભચાઉ શહેર ભાજપના પ્રમુખ તથા પાલિકાના કાઉન્સિલરના આ પુત્ર દારૂ સાથે પકડાતાં ભારે ચકચાર પ્રસરી હતી. જો કે પોલીસે હજુ આ શખ્સની પૂછપરછ બાકી હોવાથી આ શખ્સ અંગે વધુ માહિતી ન હોવાનું કહ્યું હતું. રેલવે પોલીસે ગઇકાલે મુનેશકુમાર શર્માને રૂા. 1250ના શરાબ સાથે પકડી પાડયો હતો. આ બન્ને કાર્યવાહીમાં ફોજદાર સી.એમ. સોંદરવા, ગુલામ જેડી, અરજણભાઇ વગેરે જોડાયા હતા. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer