ભચાઉમાં આહીર સમાજ એકત્ર થયો

ભચાઉમાં આહીર સમાજ એકત્ર થયો
ભચાઉ, તા. 12 : રવિવારે ભવાનીપુર રેલવે નાલામાં સામસામે પસાર થતા લુણવાના આહીર યુવાનને ભચાઉના ક્ષત્રિય યુવાનોએ માર મારવાની ઘટના બાદ અજંપાભરી પરિસ્થિતિ વચ્ચે શાંતિ જળવાઇ રહી હતી, પણ આજે મામલાએ ફરી ગંભીરતા ધરી હતી. સોમવારે આ સંબંધે દુધઇ રેલવે ફાટક પાસે આહીર સમાજવાડીના સંકુલમાં સવારે 10થી સાંજે 4 સુધી સમગ્ર વાગડના આહીર સમાજ, તો ચોરાડ એટલે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકા તથા કચ્છના અંજાર, ગાંધીધામ, ભુજના આહીર અગ્રણીઓ 2500થી વધુની સંખ્યામાં એકત્ર થઇ બનાવ સંબંધી ગંભીર ચર્ચાઓ શરૂ કરી હતી. યુવાનોમાં આક્રોશ હતો જ્યારે મોવડીઓની સલાહ, પોલીસની દરમ્યાનગીરી હતી. અંતે આવેદનપત્ર અપાયું જેમાં શહેરમાં એસ.એસ.સી.ની પરીક્ષાઓને લઇ ખોટી અસર ન થાય તે વાત ધ્યાને રાખી ગાંધીધામ પોલીસવડાને સંબોધીને લખાયેલું આવેદનપત્ર ભચાઉ સ્થિત નાયબ પોલીસવડા રાકેશ દેસાઇએ મિટિંગ સ્થળે જ રૂબરૂ જઇને સ્વીકાર્યું હતું. આ મિટિંગમાં કચ્છ પાટણ આહીર સમાજના અગ્રણી રાણાભાઇ આહીર, ધારાશાત્રી લક્ષ્મણભાઇ એલ. વરચંદ (આહીર), કડોલના અગ્રણી ખીમાભાઇ જીવાભાઇ ઢીલા, રતનાલથી આહીર યુવક અગ્રણી ત્રિકમભાઇ વાસણભાઇ આહીર, ભચાઉ તા. આહીર સમાજના પ્રમુખ ગોપાલ ખેંગાર આહીર (લુણવા) ઉપરાંત વાઘજી દેવકરણ છાંગા ભચાઉ તાલુકા ભાજપ મહામંત્રી, નામેરી જેઠાભાઇ ઢીલા (ચોબારી), ભાજપના મંત્રી, નાની ચીરઇના સરપંચ અને મીઠાના ઉત્પાદક લક્ષ્મણ તેજાભાઇ આહીર, ચોબારી સરપંચ વેલજીભાઇ આહીર, કરમરિયા સરપંચ શંકરલાલ ડાહ્યાભાઇ, ચોબારીના સવાભાઇ વેરાભાઇ ચાવડા, રામવાવથી ખેંગારભાઇ આહીર, ભગુ ગણેશા માતા કિશાન સંઘના પ્રમુખ, હીરા પચાણ આહીર માજી પ્રમુખ ભચાઉ તા. પંચાયત, વોંધડાના ગણેશા અરજણ છાંગા સહિતના આગેવાનો ઉપરાંત 260 જેટલા આહીરોની સહી સાથેનું આવેદનપત્ર નાયબ પોલીસવડાએ સ્વીકાર્યું હતું. આ આવેદનપત્રમાં ભચાઉ પોલીસે નબળી કલમો લગાવી ફરિયાદ નબળી કરવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરાયો છે. હુમલાખોર રિવોલ્વર, ધારિયા સહિતના શત્રો સાથે હતા છતાં પોલીસમાં એનો ઉલ્લેખ નથી. આ બનાવમાં જેમની સામે ફરિયાદ કરાઇ છે એ મુનાભાઇની ઓફિસ, દુકાનોને રાત્રે રક્ષણ પણ અપાયું હતું. સવારથી શહેરમાં ભારે પોલીસ બંદોબસ્ત હતો અને પોલીસવેન સતત ફરતી રહી હતી. સોમવાર છતાં ગામોની સરકારી કોર્ટ કચેરી કે દવા માટે કે ખરીદી માટે કોઇ ન આવતાં સરકારી કચેરી, બેંકોમાં અસર હતી. વેપાર-ધંધાને અસર થઇ હતી. પોલીસની સતત હાજરીથી પ્રજાજનોને રાહત હતી. એસ.એસ.સી. પરીક્ષામાં આહીર અને ક્ષત્રિય સમાજના તથા અન્ય બાળકોને અસર ન થાય તે ખાસ જોવાયું છતાં પરીક્ષાર્થીઓને ડર તો હતો જ. આહીરોએ પોલીસની વિનંતીને માન્ય રાખી શહેરની દૂર બેઠક યોજી હતી. દરમ્યાન ક્ષત્રિય સમાજ વતી ભચાઉ ન.પાલિકાના પૂર્વ પ્રમુખ અશોકસિંહ જાડેજાએ કહ્યું હતું કે, આ પ્રકારના ઝઘડાને બે કોમ વચ્ચેનું સ્વરૂપ આપવું ન જોઇએ. સમાજના મોવડીઓએ આગેવાન તરીકે જે કોઇની ભૂલ, ગુનો હોય તેમણે સમજાવટ, ઠપકો આપવો જોઇએ. કજિયાનું કારણ ભવાનીપુર રેલવે નાલું જે સાંકડું છે, જનવસ્તી વધુ છે, ત્યારે રેલવે લાઇન નીચેથી સારી રીતે પાર કરવા સુવિધા તંત્રએ કરવી જોઇએ, જે તંત્ર નથી કરતું પરિણામે સંકડાશને લઇ ઝઘડા થાય છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer