રબાડાની કાતિલ બોલિંગના બળે આફ્રિકાનો ઓસી સામે વિજય

પોર્ટ એલિઝાબેથ, તા. 12 : કાગિસો રબાડાની કાતિલ બોલિંગ અને એબી ડિ વિલિયર્સની શાનદાર બેટિંગની મદદથી દક્ષિણ આફ્રિકાએ બીજી ટેસ્ટમાં પ્રવાસી ઓસ્ટ્રેલિયા સામે છ વિકેટે વિજય હાંસલ કર્યો છે. આથી ચાર મેચની શ્રેણી 1-1ની બરાબરી પર આવી ગઇ છે. આજે બીજી ટેસ્ટના ચોથા દિવસે રબાડાની કાતિલ બોલિંગ (છ વિકેટ) સામે કાંગારુ ટીમ તેના બીજા દાવમાં 239 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. આથી આફ્રિકાને જીત માટે 101 રનનું મામૂલી વિજય લક્ષ્ય મળ્યું હતું. જો કે, ત્યાં સુધી પહોંચવમાં આફ્રિકાએ ટોચની 4 વિકેટ ગુમાવી દીધી હતી. પહેલા દાવમાં સદી કરનાર ડિ'વિલિયર્સે બીજા દાવમાં આફ્રિકા તરફથી સૌથી વધુ 28 રન બનાવ્યા હતા. આજે સવારે ઓસ્ટ્રેલિયાની ટીમ તેના બીજા દાવમાં 79 ઓવરમાં 239 રનમાં ઓલઆઉટ થઇ હતી. મિચેલ માર્શ 4પ અને ટિમ પેનીએ 28 રન કર્યા હતા. આફ્રિકાએ પહેલા દાવમાં 382 રન કર્યા હતા. આથી તેને 139 રનની સરસાઇ મળી હતી. તે બાદ કરતાં આફ્રિકાને જીત માટે 101 રન કરવાના હતા તે આફ્રિકાએ 22.પ ઓવરમાં 4 વિકેટ ગુમાવીને કરી લીધા હતા. આમલાએ 27 અને માર્કરમે 21 રન કર્યા હતા. મેચમાં કુલ્લ 11 વિકેટ લેનાર રબાડા મેન ઓફ ધ મેચ જાહેર થયો હતો. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer