લોડાઈમાં ગૌચર જમીન હડપ કરવાના મુદ્દે ગ્રામજનોનો વિરોધ

લોડાઈમાં ગૌચર જમીન હડપ કરવાના મુદ્દે ગ્રામજનોનો વિરોધ
ભુજ, તા. 12 : ગામની ગૌચર જમીન પર દબાણ કરવાના તેમજ ડી.આઈ.એલ.આર. દ્વારા થતી રિસર્વેની કામગીરીમાં ગેરરીતિ અંગે ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. સરપંચ ભરત હરિભાઈ ડાંગરની આગેવાની હેઠળ કરાયેલી રજૂઆતમાં ગામમાં પાવરગ્રીડ કંપનીના વીજપોલ, વીજરેસાનું કામ હાથ ધરવાનું આવ્યું તે ગામની ગૌચરમાં આવે છે. જેનું વળતર પંચાયતને મળવાપાત્ર થાય છે. જેનાં નાણાં ગૌશાળા માટે વાપરવાનું નક્કી કરી લીધું છે. દરમ્યાન કેટલાક લેભાગુ તત્ત્વોએ ગૌચર જમીન પર દબાણ કરવાનું શરૂ કરી દીધું અને અગાઉ ન મપાયેલા હોય તેવા સર્વે નંબર વેચાણથી લઈને તેમાં નકલી સીટ બનાવાઈ છે. જેનો ગ્રામજનોએ ખુલ્લો વિરોધ કર્યો છે. આ કથિત ષડયંત્રમાં ડી.આઈ.એલ.આર.ના અમુક કર્મચારીઓ પણ સામેલ હોવાની શંકા વ્યક્ત થઈ હતી. આ મામલે તાત્કાલિક તપાસની માંગ કરી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer