કારકિર્દી માટે મહત્ત્વની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ

કારકિર્દી માટે મહત્ત્વની બોર્ડની પરીક્ષાનો  પ્રારંભ
ભુજ, તા. 12 : વિદ્યાર્થીઓની કારકિર્દીના ઘડતર માટે મહત્ત્વની ધો. 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓનો કચ્છમાં શાંતિપૂર્ણ રીતે પ્રારંભ થયો હતો. જેમાં ધો. 10માં 25,460 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 927 ગેરહાજર રહ્યા હતા, જ્યારે ધો. 12માં 6929 છાત્રો બેઠા હતા અને 87 ગેરહાજર રહ્યા હતા. પરીક્ષાના પ્રારંભે ઠેરઠેર સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી મોઢું મીઠું કરાવાયું હતું. સોમવારે શરૂ થયેલી આ પરીક્ષાનો શહેરની ઇન્દ્રાબાઇ ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે જિલ્લા કલેકટર રેમ્યા મોહને વિદ્યાર્થિનીઓને તિલક-મોઢું મીઠું કરાવી પ્રારંભ કરાવ્યો હતો. જ્યારે જિલ્લા વિકાસ અધિકારી સી.જે. પટેલે ઓફ્રેડ હાઇસ્કૂલ ખાતે ઝોનની મુલાકાત લીધી હતી. આજે ધો. 10ની ગુજરાતીની પરીક્ષામાં ભુજ, ગાંધીધામ અને નખત્રાણા ઝોનમાં 21,804, હિન્દીમાં 632, અંગ્રેજીમાં 2925, સિંધીમાં કુલ્લ 48 અને સંસ્કૃત ભાષાના પેપરમાં 51 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ધો. 12માંના નામાના મૂળ તત્ત્વોની પરીક્ષામાં ભુજ અને ગાંધીધામમાં 5546માંથી 5471 અને ભૌતિક વિજ્ઞાનમાં 1464માંથી 1458 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. આ પરીક્ષામાં ભુજ શહેરમાં વિવિધ બ્લોકમાં ગુજરાતી અને અંગ્રેજી વિષયમાં કુલ્લ 26 દિવ્યાંગોએ પરીક્ષા આપી હતી. ભુજમાં અમુક પરીક્ષા સ્થળોની બહાર વિદ્યાર્થીઓના વાલીઓને ખાનગી ટયૂશન-કોમ્પ્યુટર કલાસવાળા દ્વારા પેમ્ફલેટ તથા કલાસની જાહેરાતો દર્શાવતી નોટબુકોનું નિ:શુલ્ક વિતરણ પણ કરાતું જોવા મળ્યું હતું. ભુજમાં ઓફ્રેડ હાઈસ્કૂલ ખાતે સત્યમના ઉપક્રમે શુભેચ્છા સાથે કાંડા ઘડિયાળનું છાત્રોને વિતરણ કરાયું હતું. આ પ્રસંગે દર્શક અંતાણી, વી.આર. મહેતા, લીનાબેન ઠક્કર, કાંતાબેન વેકરિયા, મીનાબેન વગેરે જોડાયા હતા. ભુજમાં હાટકેશ સેવા મંડળ અને સંસ્કૃત પાઠશાળા દ્વારા શુભેચ્છા અપાઈ હતી. આ પ્રસંગે ઈન્દ્રવદન છાયા, વિભાકર અંતાણી, ત્રિવેણીબેન, ભૈરવીબેન, જવનિકાબેન વગેરે કાર્યકરો જોડાયા હતા. કેરા (તા. ભુજ) : કેરા-કુંદનપર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટ સંચાલિત શેઠ જે.પી. અને એલ.એસ. હાઈસ્કૂલમાં સવારે અબજીબાપા છતરડી અને હનુમાનજી ટ્રસ્ટના સંતો શાત્રી સ્વયંપ્રકાશ સ્વામી અને શાત્રી પ્રેમ સ્વામીએ કેન્દ્રનું 100 ટકા પરિણામ આવે તેવા આશીર્વાદ આપ્યા હતા. પ્રમુખ વિનોદભાઈ પાંચાણી, ઉપપ્રમુખ વેલજીભાઈ સહિતના હસ્તે અગાઉ 11 લાખ રૂપિયાનું દાન આપનાર બળદિયાના ડી.એસ. પટેલનું વિશેષ સન્માન કરાયું હતું. કેરા કેન્દ્ર હેઠળ રામાણિયા, દહીંસરા, નારાણપર, બળદિયા અને એચ.જે.ડી.ના છાત્રો પરીક્ષા આપી રહ્યા છે. સ્થાનિક પોલીસકર્મીઓએ મોં મીઠું કરાવી શુભેચ્છા આપી હતી. ગાંધીધામ : સંકુલ સહિત પૂર્વ કચ્છમાં ધો. 10 અને ધો. 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનો આજે શાંતિપૂર્ણ પ્રારંભ થયો હતો. અંજાર, આદિપુર, ગાંધીધામ, રાપર, ભચાઉ, આડેસર, કટારિયા અને સામખિયાળી સહિત 8 કેન્દ્રમાં 45 સ્થળોએ 367 બ્લોકમાં ધો. 10ની પ્રથમ ભાષાની પરીક્ષા લેવાઈ હતી. પૂર્વ કચ્છમાં ધો. 10ના નવા કોર્સમાં 10,199 વિદ્યાર્થીઓ પૈકી 135 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જ્યારે 10,063 વિદ્યાર્થીઓએ પ્રથમ ભાષાની પરીક્ષા આપી હતી. પ્રથમ દિવસે કોઈ કોપી કેસ કે અન્ય કોઈ અનીચ્છનીય બનાવ બન્યો ન હોવાનું ઝોનલ ઓફિસર જે.એલ. ડાંગોદરા અને મદદનીશ ઝોનલ ઓફિસર ઉમેશ વી. વ્યાસે જણાવ્યું હતું. જૂના કોર્સના 52 વિદ્યાર્થી ગેરહાજર રહેતાં 717 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ધો. 12 સામાન્ય પ્રવાહમાં નામાના મૂળતત્વો વિષયમાં ગાંધીધામ, આદિપુર, અંજાર, ભચાઉ, રાપર કેન્દ્રમાં 2741 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. તે પૈકી 30 વિદ્યાર્થીઓ ગેરહાજર રહેતા 2711 વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી. વિજ્ઞાન પ્રવાહમાં ફિઝિક્સ વિષયની પરીક્ષા ગાંધીધામના 3 અને અંજારના 1 સહિત ચાર કેન્દ્રો પર લેવાઈ હતી. 583 વિદ્યાર્થીઓ પૈકી માત્ર બે વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા. આમ પૂર્વ કચ્છમાં ધો. 10 અને 12ના 14,053 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પ્રથમ દિવસે કોઈ અનિચ્છનીય બનાવ ન બનતાં તંત્રએ રાહતનો દમ લીધો હતો.મારવાડી યુવા મંચ દ્વારા શહેરના આદર્શ મહાવિદ્યાલયમાં ધો. 10ની પરીક્ષા આપતા 300 વિદ્યાર્થીઓને પુષ્પગુચ્છ અને શૈક્ષણિક કિટ આપી પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવે તેવી શુભકામના પાઠવવામાં આવી હતી. મંચના પ્રમુખ મુકેશ પારખ, મંત્રી જિતેન્દ્ર સી. જૈન, પૂર્વ પ્રમુખ નંદલાલ ગોયલ તેમજ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. અંજાર તાલુકાના રતનાલ ખાતે ધો. 10ના સૌ પ્રથમ વખત મંજૂર થયેલા પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓને સરપંચ સરિયાબેન ત્રિકમ વરચંદ, ઉપસરપંચ તેમજ માજી સરપંચ રણછોડભાઇ વાસણભાઇ આહીર, સચ્ચિદાનંદ મંદિરના મહંત ભગવાનદાસજી મહારાજ, આચાર્ય જયેશ સથવારા, કે.આર. આહીર ઉપસ્થિત રહ્યા હતા. માંડવી : અહીં જાયન્ટ્સ ગ્રુપના ઉપક્રમે જી.ટી. હાઈસ્કૂલમાં 300 છાત્રોને કાયમી દાતા માતા ઝવેરબેન દેવજીભાઈ ડગાળાવાળા પરિવાર હસ્તે સંજયભાઈ ડગાળાવાળા તરફથી મોં મીઠું કરાવીને અને જાયન્ટ્સના સભ્ય પરેશભાઈ સોની તરફથી બોલપેન આપી શુભેચ્છા પાઠવવામાં આવી. મંત્રી યોગેશભાઈ મહેતાએ તમામ છાત્રોને તિલક કરી અને ઉપપ્રમુખ રસિકભાઈ જોષી, યોગેશભાઈ ત્રિવેદી, દિનેશભાઈ શાહ, પ્રમુખ સુજાતાબેન ભાયાણી, નરેનભાઈ સોની, ભૂપેન્દ્રભાઈ સલાટ વગેરેએ શુભેચ્છા પાઠવી હતી. રામકૃષ્ણ હાઈસ્કૂલમાં 339 તથા ખીમજી રામદાસ કન્યા શાળામાં 216 વિદ્યાર્થીઓને ટ્રસ્ટી ભરતભાઈ વેદ તથા તેમની ટીમ, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલભાઈ દોશી તથા તેમની ટીમે શુભેચ્છા પાઠવી હતી. ત્રણ ટુકર વિદ્યાલયમાં 300 ઉપરાંત વિદ્યાર્થીઓને રોટરી ક્લબ ઓફ માંડવીના પ્રમુખ જુગલભાઈ સંઘવી, મંત્રી પ્રતિકભાઈ શાહ હાજર રહ્યા હતા. વિધાનસભા મતદાર વિભાગ દ્વારા શેઠ ગોકલદાસ તેજપાલ હાઈસ્કૂલ મધ્યે પરીક્ષાર્થીઓને મીઠું મોં કરાવી શુભેચ્છા આપવામાં આવી હતી. મતદારયાદી શાખાના નાયબ મામલતદાર એન.આઈ. બારડના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં પ્રથમ વખત જ મતદાર જાગૃતિ માટે લોકશાહી પ્રક્રિયામાં યુવા મતદારો વધુમાં વધુ સક્રિય ભાગીદારી નોંધાવે તે માટે નવતર કાર્યક્રમ હાથ ધરવામાં આવેલો. પેકેટમાં મતદાર યાદીના નામો નોંધાવો, લોકશાહીને મજબૂત બનાવો. આ સૂત્ર ઘરઘર સુધી પહોંચે તે માટે બૂથ લેવલ ઓફિસર ગ્રુપ, સેક્ટર ઓફિસર ગ્રુપ અને મામલતદાર કચેરી દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવેલા. જેમાં સેક્ટર ઓફિસર ભૂપેન્દ્ર સલાટ વગેરે જોડાયા હતા. ગઢશીશામાં કે.કે. ગણાત્રા ઈંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે છાત્રોને શુભેચ્છા પાઠવાઈ હતી. જેમાં શાળાના ટ્રસ્ટી મંડળના ચેતનભાઈ કોટક, પ્રકાશભાઈ ઠક્કર, રામજીભાઈ મજેઠિયા, અબ્દુલભાઈ રાયમા, મણિલાલ પારસિયા, જિજ્ઞેશ આચાર્ય (પત્રકાર), રમેશ રોશિયા, શાળાના આચાર્ય પ્રદીપભાઈ સોલંકી વગેરેએ શુભેચ્છા પાઠવી હતી. મુંદરા : અહીં શેઠ આર.ડી. હાઈસ્કૂલ ખાતે સવારે આર.ડી.એ. ટ્રસ્ટના પ્રમુખ અને મુંદરાના પ્રથમ નાગરિક ધર્મેન્દ્ર જેસર તથા અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને શુભેચ્છા આપી મીઠું મોઢું  કરાવ્યું હતું. નખત્રાણા : અહીં ઝોન હેઠળ નખત્રાણા, લખપત, અબડાસા સાથે 28 પરીક્ષા કેન્દ્રોનો સમાવેશ થાય છે. ત્યાં આજે સવારે નખત્રાણા ગામ વેપારી મંડળ તેમજ ટ્રસ્ટના આગેવાનો લાલજીભાઈ રામાણી, બાબુભાઈ ધનાણી, નીતિનભાઈ ઠક્કર, કિશોરભાઈ સોની તેમજ શિક્ષકગણ દ્વારા ટી.ડી. વેલાણી કન્યા હાઈસ્કૂલ નખત્રાણા તેમજ શેઠ કે.વી. હાઈસ્કૂલ નખત્રાણાના વિદ્યાર્થીને કંકુ તિલક સાથ મીઠાઈ દ્વારા શુભેચ્છા અપાઈ હતી. નલિયામાં મચ્છુ કઠિયા સઈ સુતાર જ્ઞાતિ મહિલા મંડળ દ્વારા પ્રમુખ પુષ્પાબેન પી. દરજી, પ્રવીણાબેન ડાભી, કસ્તૂરબેન, મીનાબેન, ક્રિષ્નાબેન, પૂર્વ સરપંચ સતીશ ઠક્કર, લિયાકતભાઈ, લતેશ શાહ, જયેશ ખત્રીએ છાત્રોને ગળ્યું મોઢું કરાવી શુભેચ્છા આપી હતી. રાપર : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આયોજન કરાયું હતું. જેમાં શુભેચ્છા આપવામાં આવી હતી તેવું ભાવિન એન. ઠક્કરની યાદીમાં જણાવાયું હતું. કન્યા છાત્રાલયમાં ધોરણ 10ની પરીક્ષા શાંતિપૂર્ણ યોજાઇ હતી. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક પરીક્ષાઓ આપી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer