માંડવીમાં રામમંદિરના નવનિર્માણ માટે ફંડ મેળવવા લોહાણા મહાજનની તજવીજ

માંડવી, તા. 12:  અહીંના લોહાણા મહાજનની `પૂ. દરિયાલાલ જયંતી' એટલે કે `ચૈત્રી બીજ' અને `રામનવમી'ની ઉજવણી માટે હંમેશ મુજબની જનરલ સભા જ્ઞાતિપ્રમુખ હરીશભાઇ ગણાત્રાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. સભાની શરૂઆતમાં મહાજનના મંત્રી જયેશભાઇ સોમૈયાએ સર્વે જ્ઞાતિજનોને આવકાર આપ્યો હતો. ખજાનચી દીપકભાઇ સોનાઘેલાએ હેવાલ આપ્યો હતો. ચૈત્રીચંદ્ર તા. 19-3ના ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સવારે 8-30 વાગ્યે મહાજનવાડી ખાતે પૂજા કર્યા બાદ શોભાયાત્રા મહાજનવાડીથી દરિયાકિનારે પૂજાવિધિ કર્યા બાદ બાંડિયાવાળી ધર્મશાળામાં રામમંદિર થઇ માતા સ્થાન પર આરતી કર્યા બાદ મહાજનવાડી પરત ફરશે. તા. 25-3ના રામનવમીની ઉજવણી બાંડિયાવાળી ધર્મશાળા પર આવેલા પૂ. રામમંદિર ખાતે ધામધૂમપૂર્વક ઉજવાનું નક્કી કરવામાં આવ્યું હતું. 12:30 વાગ્યે મહાઆરતી બાદ લોહાણા જ્ઞાતિજનો માટે સમૂહ ફળાહારનું આયોજન કરવામાં આવશે. અધ્યક્ષ સ્થાનેથી શ્રી ગણાત્રાએ કહ્યું કે, લોહાણા મહાજન સંચાલિત બાંડિયાવાળી ધર્મશાળામાં રામમંદિરના પુન: નિર્માણની જરૂરિયાત હોઇ જેનો અંદાજિત કુલ્લ ખર્ચ રૂા. 30,00,000 જેટલો થવાનો હોઇ તે અંગેની ઇન્ટરનેશનલ લોહાણા સમાજ અમદાવાદ સાથે વાતચીત ચાલુમાં છે, તેમની મહિલા પાંખ તરફથી માંડવીમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે. તેની વધારાની રકમ પણ આ રામમંદિરના નવનિર્માણમાં આપવાનું તેમના તરફથી જણાવાયું છે. ઉપરાંત રઘુવંશી દાતાઓ શ્રેષ્ઠીઓ પાસે સહકાર મેળવી રામમંદિરનું નવનિર્માણનું કામ તાત્કાલિક ચાલુ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ નવનિર્માણ કાર્ય માટે દાનની સરવાણી આપવાની ચાલુ થઇ જતાં સ્વ. પરસોત્તમ ગોપાલજી સોનાઘેલા (દાળિયાવાળા) તરફથી રૂા. 51,000, સ્વ. દેવીબેન વીરજી ગણાત્રા તરફથી રૂા.  51,000, મંગલદાસ હીરજી ઠક્કર તરફથી રૂા. 51,000 જાહેર થયા હતા. જ્ઞાતિજનોમાંથી મહેન્દ્રભાઇ ચોથાણી, કિશોરભાઇ ભીંડે, રાજાભાઇ કોટક, સુરેશભાઇ ભીંડે, જયંતીભાઇ કોઠારી, કીર્તિભાઇ ચંદે, મહેન્દ્રભાઇ ગટ્ટા, નીલેશભાઇ ઠક્કર, તેજસભાઇ ઠક્કર, શીતલ કાનાણી વગેરે હાજર રહ્યા હતા. લોહાણા મહાજનના ઉપપ્રમુખ શશીકાંતભાઇ ચંદેએ સર્વે જ્ઞાતિજનોનો આભાર માન્યો હતો. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer