ઊંટ માટે ચરિયાણ વિસ્તારનું સંરક્ષણ કરવા અનુરોધ

ઊંટ માટે ચરિયાણ વિસ્તારનું સંરક્ષણ કરવા અનુરોધ
અમદાવાદ, તા. 12 : ધોલેરામાં ઊંટપાલન સાથે સંકળાયેલા ફકીરાણી જત સમુદાય દ્વારા કોમી એકતાના પ્રતીક હુસેનપીરની દરગાહ પર 4 દિવસીય ઊંટ મેળાનું આયોજન કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન અને સહજીવન દ્વારા કરવામાં આવ્યું હતું. 400 વર્ષ પહેલાં કચ્છમાંથી ચરિયાણ વિસ્તારની શોધમાં ગુજરાતના ભાવનગર, ભરૂચ, અમદાવાદ અને આણંદના દરિયા કિનારામાં ઊંટો સાથે સ્થાયી થયેલા ફકીરાણી જત સમુદાયના લોકો આજે પણ પહેરવેશ, ભાષા અને પરંપરાગત ઊંટ પાલન વ્યવસાયને આજે પણ ટકાવી રાખ્યો છે. ધોલેરાના ધારાસભ્ય રાજુભાઈ ગોહિલ અને ફકીરાણી જત સમુદાયના ધર્મગુરુ આગાખાન સાવલાણી, મુબારક હાજી ભારા જત, નવાગામ કરણાના સરપંચ જગદીશ મકવાણા, મેતલીના સરપંચ નાનભા ગોહિલ, બુરહાનપુરના સરપંચ સાવજીભાઈ અને કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠનના પ્રમુખ ભીખાભાઈ રબારી અને કારોબારી સભ્યો હાજર રહ્યા હતા. ખારાઈ ઊંટ પાલકોને ફકીરાણી જત સમુદાયના ધર્મગુરુ શ્રી સાવલાણીએ ઊંટ પાલન આજીવિકા બચાવવા પૌરાણિક રિવાજો ત્યજી અને ઊંટડીનું દૂધ વેચાણ કરવા મંજૂરી આપી હતી. પણ ઊંટડી (માદા)નું વેચાણ નહીં કરવા જણાવ્યું હતું. કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠને સરકાર સાથે સંકલન કરી ઊંટો માટે ચરિયાણ વિસ્તારનું સંરક્ષણ અને પાણીનું આયોજન કરવા જણાવાયું હતું. ચરિયાણ બચશે તો આ આજીવિકા અને ઊંટો બચશે. બાદમાં હરીફાઈ યોજાઈ હતી. વિજેતાઓને ઈનામો આપવામાં આવ્યા હતા. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer