લોરિયા ગૌમાંસ પ્રકરણનો ભાગેડુ આરોપી પકડાઈ ગયો

ગાંધીધામ, તા. 12 : ભુજ તાલુકાનાં લોરિયા ચેકપોસ્ટ પાસે પકડાયેલા ગૌમાંસના પ્રકરણમાં આરોપીની ધરપકડ કરી તેને જેલહવાલે કરાયો હતો. આ બનાવમાં વધુ એક ઈસમનું નામ બહાર આવ્યું હતું. લોરિયાની ચેકપોસ્ટ ઉપર ગત તા. 10/2ના બોર્ડર વિંગના જવાન વાહનોની તલાશી લઈ રહ્યા હતા. દરમ્યાન નાના વરનોરાનો અબ્દુલ ઈશા મોખા નામનો શખ્સ પોતાનું સ્કૂટર અને મોબાઈલ મૂકીને નાસી ગયો હતો. આ સ્કૂટરમાંથી બાદમાં પોલીસે ગૌમાંસ જપ્ત કર્યું હતું. આ પ્રકરણમાં છેલ્લા એકાદ માસથી નાસતા ફરતા અબ્દુલ મોખા નામના ઈસમની ગઈકાલે રાત્રે વરનોરા ગામની સીમમાંથી પોલીસે અટક કરી હતી. આ ઈસમની પૂછપરછ કરાતાં તેણે વરનોરાના કોઈ ઈસમ પાસેથી આ માંસ ખરીદ્યું હોવાની કેફિયત આપી હતી. તેને આજે જેલ હવાલે કરાયો હતો તથા તેને ગૌમાંસ આપનારા ઈસમને પકડી પાડવા પોલીસે કવાયત હાથ ધરી છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer