મુંદરા વિસ્તારમાં `ગરજવાનો'' વ્યાજખોરોની `નાગચૂડ''માં

અશ્વિન ઝિંઝુવાડિયા દ્વારા  મુંદરા, તા. 12 : ગરજવાન વ્યક્તિની આર્થિક મજબૂરીનો ભરપૂર ગેરફાયદો ઉઠાવી વ્યાજખોર વ્યક્તિઓ તગડી વ્યાજની રકમ તો ઉઘરાવે જ છે, સાથે-સાથે લુખ્ખી દાદાગીરી ઉપર ઊતરી આવે છે. મુંદરા પોલીસ મથકમાં એક હિન્દીભાષી ગરજવાને આપેલી લેખિત ફરિયાદની વિગતો આંખ ઉઘાડનારી છે. કાયદાના રક્ષકો જો નામજોગ અને મોબાઇલ નંબર જોગ આપેલી લેખિત ફરિયાદમાં તપાસ કરે તો 50થી 70 વ્યક્તિ-જે પાંચ ટકાથી 12 ટકા સુધીનું માસિક વ્યાજ વસૂલે છે એમના પગ નીચે રેલો આવે  એમ છે. આ ફરિયાદમાં જણાવાયા અનુસાર, મુંદરાની એક વ્યક્તિ પાસેથી આ હિન્દીભાષી શ્રમજીવીએ આજથી 3 વર્ષ પહેલાં દોઢ લાખ રૂા. વ્યાજે લીધા હતા, જેની વ્યાજની રકમ અંદાજે સવા બે લાખ તો ભરી જ નાખી છે, તેમ છતાં હજુ દોઢ લાખ રૂા. મુદ્દલના અને ચડત વ્યાજના 45 હજાર લેવાના બાકી થાય છે. પઠાણી ઉઘરાણીના અંતે લાચાર વ્યક્તિએ મારી પાસે રૂપિયા આવશે એ સાથે તરત ભરી નાખીશની કાકલૂદી કરી, પરંતુ રાત્રિના સમયે તેમના ઘેર જઇ પૈસા ધીરનાર વ્યક્તિએ અન્ય એક વ્યક્તિને સાથે રાખી જણાવેલું કે તું ખૂન કર, ચોરી કર પણ અમારા રૂપિયા અમને જોઇએ... અને ગાળો બોલી ગરજવાનનું બાઇક ઉપાડી ગયા... જ્યારે બારોઇ વિસ્તારમાં રહેતા અન્ય એક ગેરકાયદેસર ધીરધારનો ધંધો કરતા શખ્સ પાસેથી એક લાખ રૂા. વ્યાજે લીધા હતા, જેના વ્યાજના 64 હજાર રૂા. અત્યાર સુધી ચૂકવી નાખ્યા છે. માસિક 8 ટકાના વ્યાજે રકમ ધીરનાર પણ ચડત વ્યાજ બત્રીસ હજાર અને મુદ્દલના લાખ રૂા.ની ઉઘરાણી કરે છે એવું બયાન હિન્દીભાષી શ્રમજીવીનાં પત્નીના નામે થયેલી પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. ફરિયાદના અનુસંધાને છાનબીન કરતાં જાણવા મળ્યું કે નાના શ્રમજીવી, કમી-કસબી, કારીગરને એક-બે લાખ રૂા. સુધીના પૈસાની જરૂરિયાત આ વ્યાજખોર વટુઓ પૂરી કરે છે અને 5થી 12 ટકા સુધીનું માસિક વ્યાજ વસૂલ કરે છે. મુંદરા અને બારોઇ વચ્ચે 50થી 70 વ્યક્તિ વ્યાજુકા રૂપિયા આપવાનો ધીકતો ધંધો કરે છે. અન્ય એક વ્યક્તિએ 7 લાખ રૂા.ના સાડા દસ લાખ રૂા. વ્યાજની રકમના ભર્યા, હજુ મુદ્દલ અને ચડત વ્યાજ બાકી છે, જ્યારે ડાયરીવાળા તરીકે ઓળખાતા અને રૂપિયા ધીરનાર અન્ય સંખ્યાબંધ વર્તુળો કાયદેસરનાં પાટિયાં મારીને રૂપિયા ધીરધારનો ધંધો કરે છે. બહુ નોંધપાત્ર વિગત એ જાણવા મળી કે કેટલાક પોલીસ કર્મચારીઓએ પણ `ડાયરી' ચાલુ કરી આ ડાયરીવાળા વ્યાજની રકમ પ્રથમથી જ કાપી લે છે અને બાકી રહેતી રકમ ગરજવાનના હાથમાં આપે છે. દા.ત. 50 હજાર માગ્યા એટલે વ્યાજ 5 હજાર કાપી 45 હજાર હાથમાં આપે. ત્યારબાદ રોજના 500 રૂા. 100 દિવસ સુધી આપવાના. આ ડાયરી પ્રથામાં મુદ્દલ ઓછું થાય છે  પણ વ્યાજ ઓછું થતું નથી. ડાયરીવાળા 3 ચડત હપ્તા બાદ તકાજો શરૂ કરે છે. જેમની પાસે સોનાના દાગીના છે એ મુંદરા-બારોઇ વચ્ચે આવેલી જગ્યાએ સોના સામે લોનની સ્કીમના શરણે જાય છે. 5થી 6 ગોલ્ડ લોન આપતી બેંક અને ખાનગી કંપનીઓ પાસે રોજનું અંદાજે રૂા. 10 લાખ સુધીનું સોનું ગીરો મૂકવા આવે છે. અહીં વ્યાજના દર નીચા છે અને હિસાબમાં પારદર્શકતા છે... પણ મોટી શરત સોનું હોવું જોઇએ. સૂત્રો સાથેની વાતચીતમાં જાણવા મળ્યું કે પરિવારનાં મહિલા સદસ્યોનાં ઘરેણાં ઘણી વખત ચોરીછૂપીથી ગોલ્ડ લોનમાં ગીરો રાખી દીધા બાદ સારા પ્રસંગે જ્યારે ટંક, પેટી કે કબાટમાં દાગીના શોધવામાં આવે છે ત્યારે ખબર પડે છે કે દાગીના તો ગીરો મુકાઇ ગયા છે, અને ઘરમાં કકળાટ શરૂ થાય છે. જેઓ નિયમિત વ્યાજના હપ્તા ભરે છે એ વ્યક્તિ તક મળતાં દાગીના છોડાવી જાય છે, પરંતુ મોટાભાગના વ્યાજના ચડત હપ્તા ભરવા અસમર્થ બને છે અને દાગીના ઉપરથી હાથ ઉપાડી લે છે. ગોલ્ડ લોન આપતી એજન્સીઓ પણ 4થી 5 વખત ચડત વ્યાજ ભરી જવાની તાકીદ આપે છે, પરંતુ ત્યારબાદ સોનું વેચી વ્યાજ અને મુદ્દલ વસૂલી લે છે. ગોલ્ડ લોન આપતી એજન્સીઓ પાસે કિલા મોઢે સોનું જમા થયું છે તેવી વિગતો ચર્ચાઇ રહી છે. ખાનગી વ્યાજખાઉ કહેવાતા `શેઠ' ડાયરીવાળા કે ગોલ્ડ લોન એજન્સીઓની દુકાનો ધમધમી રહી છે, જ્યારે બેંક ત્રણ વર્ષનાં આઇ.ટી. રિટર્ન અને લાંબીલચક યાદી મુજબના કાગળો પૂર્ણ કર્યા બાદ લોન આપે તો આપે... બેંક રાષ્ટ્રીયકૃત અને ખાનગી પોતાનું એન.પી.એ. વધે નહીં એની તકેદારી રાખે છે. જરૂરતમંદ વ્યક્તિને હજારો કે લાખોની લોન આપવામાં ઠાગાઠૈયા કરે છે અને ગિલિન્ડરો કરોડો રૂા.નો ચૂનો ચોપડી જાય છે. રકમની જરૂરિયાત સામાજિક પ્રસંગે ઉપરાંત માંદગી અને અન્ય આકસ્મિક ખર્ચ સમયે ઊભી થાય છે. નાણાંની તુરંત જરૂરિયાત રૂપિયા ધીરનાર વ્યક્તિ વ્યાજ કેટલા ટકા લે છે એની તપાસ કે પૂછપરછ બંધ કરી નાખે છે અને ત્યારબાદ એકઠું લેણું ભરવા બીજા પાસેથી અને ત્યાંથી ત્રીજા, ચોથા શેઠિયા શોધવા અને ઊથલા કરવાના વમળમાં પરિવર્તન પામે છે. એવા પણ પડયા છે જે એક પાસેથી 5 ટકાના હિસાબે રૂપિયા ઉછીના લે છે અને એની એ રકમ 8થી 10 ટકામાં અન્યને વ્યાજે આપે છે. ટૂંકમાં, વ્યાજના દરમાં 3થી 5 ટકા સુધીનો ગાળો રાખી  ધંધો કરે છે અને પઠાણી ઉઘરાણી વ્યક્તિ એના ઘેર હોય ત્યારે અને રાત્રિના સમયે પરિવારના સભ્યો, ખાસ કરીને મહિલા વર્ગ સાંભળે એ પ્રકારે કરવામાં આવે છે. ઉઘરાણીની ભાષા શિષ્ટ રીતે લખી શકાય એવી નથી તેવું ભોગ બનનારા કહે છે. વ્યાજનું વિષચક્ર વ્યક્તિની ઊંઘ તો શું, જીવનને હરામ કરી નાખે છે. તંત્ર સમક્ષ ફરિયાદ લેખિતમાં થાય છે, પરંતુ મહેકમ ઘટ અને કામના ભારણ વચ્ચે આવી ફરિયાદને ન્યાય આપી શકાતો નથી. સમસ્યા માત્ર મુંદરા કે બારોઇની નથી, ગ્રામ્ય વિસ્તારમાં પણ એ જ સમસ્યા છે. જિલ્લાનું ભાગ્યે જ કોઇ એવું ગામ હશે જ્યાં વ્યાજખોરનો ત્રાસ ન હોય. સમસ્યાના મૂળનો વિચાર કરીએ તો ગરીબી, બેકારી અને પ્રચ્છન્ન બેરોજગારીએ સામાન્ય નાગરિકની કેડ ભાંગી નાખી છે. કોના કેટલા રૂપિયા બજારમાં ફરે છે એ ઉપરથી વ્યાજખાઉ વ્યક્તિની `તાકાત' મપાય છે. મંદીએ એવો ભરડો લીધો છે કે નવડા મિલાવવા મુશ્કેલ બન્યા છે તેવું જણાવતાં સૂત્રો ઉમેરે છે કે 100 રૂા.નું રોજનું 1 રૂા. વ્યાજ ચૂકવવું પડે. એક વિશાળ વર્ગ વ્યાજના વમળમાં ફસાયો છે અને એક વખત આ વમળમાંથી બહાર નીકળી જશું એવી આશા લઇ બેઠો છે. પેલા હિન્દીભાષી લાચાર શ્રમજીવીએ દોઢ કલાક આપવીતી સંભળાવી અને જતા-જતાં વિનંતી કરતા ગયા-`અખબાર મેં મેરા નામ ન આયે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer