મેવાસા પાસે કારને પાછળથી અજ્ઞાત વાહનની ઠોકર લાગતાં વૃદ્ધનું મૃત્યુ

ગાંધીધામ, તા. 12 : રાપર તાલુકાના મેવાસા નજીક આગળ જતી કારને પાછળથી કોઈ અજાણ્યા વાહનની ઠોકર લાગતાં કારમાં સવાર ગાંધીધામના ફઝલુદ્દીન સૈયદ (ઉ.વ. 70) નામના વૃદ્ધનું મોત થયું હતું. ગાંધીધામની એફસીઆઈ કોલોની નજીક રહેતા મોઈનુદ્દીન અને તેના પિતા ફઝલુદ્દીન સૈયદ કાર નંબર જી જે 6 કે 1993વાળી લઈને ધંધાર્થે સાંચોર, રાજસ્થાન જવા નીકળ્યા હતા. દરમ્યાન તેમને મેવાસા નજીક આવકાર હોટલ સામે અકસ્માત નડયો હતો. પોલીસે જણાવ્યું હતું કે, આ કાર આગળ જઈ રહી હતી દરમ્યાન પાછળથી કોઈ અજાણ્યા વાહનની જોરદાર ઠોકર લાગતાં આ કાર પલ્ટી ગઈ હતી. જેમાં ગંભીર ઈજાઓ થતાં વૃદ્ધનું તત્કાળ મોત થયું હતું. જ્યારે તેમના પુત્રને ઈજાઓ થતાં તેને સારવાર અર્થે ખસેડાયો હતો. જીવલેણ બનાવને અંજામ આપી અજાણ્યા વાહનનો ચાલક નાસી છૂટયો હતો. હિટ એન્ડ રનના આ બનાવમાં આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer