ભુજમાં સગાઈ તૂટી જવાથી કિશોરી પર કરાયો હુમલો

ગાંધીધામ, તા. 12 : ભુજમાં એક ઈસમની સગાઈ તૂટી જતાં તેણે એક કિશોરી ઉપર હુમલો કર્યો હતો. આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ મણિયાર ફળિયું, છડીદાર ચોક, જૂની મુસ્લિમ એજ્યુકેશન સામે રહેનાર સીમાબેન દાઉદભાઈ ત્રાયાની સગાઈ અશરફ જુણેજા નામના ઈસમ સાથે થઈ હતી. દરમ્યાન આ ફરિયાદી કિશોરીના પિતાએ છ દિવસ અગાઉ  સગાઈ તોડી નાખી હતી. ગત તા. 9/3ના રાત્રે 9.30ના અરસામાં સીમાબેન તથા જીયા આમ બન્ને બહેનો માકોડી પીરની દરગાહ પાસેથી નાસ્તો બંધાવી પોતાના ઘર બાજુ જઈ રહી હતી તેવામાં આ શખ્સ અશરફ જુણેજા બાઈકથી આવી આ બાઈક સીમાબેનના પગમાં ભટકાવી હતી. અને તેને માર માર્યો હતો તથા તેનું ગળું દબાવવાની કોશિશ કરતાં ઓટલા ઉપર બેઠલા અન્ય યુવાનો દોડી આવ્યા હતા અને કિશોરીને બચાવી હતી. ભોગ બનનાર આ કિશોરીને સારવાર અર્થે સખી વન સ્ટોપ સેન્ટરમાં ખસેડાઈ હતી. આ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer