ગાંધીધામમાં ઊભેલા વાહનમાંથી ડીઝલ ચોરતા બે પકડાયા

ગાંધીધામ, તા. 12 : શહેરના ટ્રાન્સપોર્ટનગર વિસ્તારમાં આવેલી ચંદન હોટેલ નજીક પાર્ક કરાયેલા ટેમ્પોમાંથી ડીઝલની ચોરી કરતા બે શખ્સોને પકડી પાડી પોલીસના હવાલે કરાયા હતા. પકડાયેલા આ બન્ને શખ્સોને પાલારા જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. શહેરનાં ધમધમતા એવા ટ્રાન્સપોર્ટનગર વિસ્તારમાં આશાપુરા ઇન્ટરનેશનલ અને ચંદન હોટેલ નજીક આ બનાવ બન્યો હતો. આઇસર ટેમ્પો નંબર જી.જે. 12-એ.ટી.-7116ના ચાલક મુકતારખાન ઇકબાલખાન પોતાનું આ વાહન અહીં ઉભું રાખી પોતાનું કામ પતાવવા ગયા હતા. દરમ્યાન પાછળથી ત્યાં ભારતનગરનો રોનક પ્રવીણ ઠક્કર અને ખારીરોહરનો અકબર જુસબ પઠાણ નામના શખ્સો આવ્યા હતા. આ શખ્સોએ ડીઝલ ટાંકીનો વાલ્વ ખોલી તેમાં પાઇપ નાખી તેના વડે નીચે કેરબા ભરી રહ્યા હતા. દરમયાન આસપાસના લોકોએ આ બન્ને શખ્સોને પકડી પાડયા હતા. રૂા. 3685ના 55 લિટર ડીઝલની ચોરી કરનારા આ શખ્સોને પોલીસના હવાલે કરવામાં આવ્યા હતા. આ બન્નેની ધરપકડ કરી પાલારા જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને તેને સમાંતર માર્ગ ઉપર ઉભા રહેતા વાહનોમાંથી ડીઝલ, તેલની ચોરીના બનાવો વધ્યા હોવાની અગાઉ ફરિયાદો ઉઠી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer