માંડવી તા.પં.ના પ્રમુખે જનતા સાથે દ્રોહ કર્યો છે : કોંગ્રેસ

ભુજ, તા. 12 : કોંગ્રેસ પક્ષના પ્રતીક પર ચૂંટણી લડી અને પક્ષના આગેવાનો તથા ચૂંટાયેલા સદસ્યોના સમર્થનથી પ્રમુખપદે પહોંચેલા માંડવી તા.પં.ના પ્રમુખ ગંગાબેન સેંઘાણીએ ભાજપ સાથે જોડાણ કરતાં માંડવી તાલુકાની જનતા અને મતદારોથી દ્રોહ કર્યો હોઈ નૈતિકતાના ધોરણે પદ પરથી રાજીનામું આપી અને ભાજપમાંથી પ્રમુખ બની બતાવે તેમ માંડવી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દશરથસિંહ જાડેજા તેમજ તાલુકા પંચાયત ઉપપ્રમુખ મહેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું. અગાઉ પણ ભાજપ દ્વારા કારોબારી સમિતિની રચના વખતે તા.પં. સદસ્ય સાવિત્રીબેન જબુઆણીને પોતાની તરફેણમાં લીધા હતા. તેઓને પણ પ્રમુખપદે બેસાડવા લોલીપોપ આપી હતી. પરંતુ હજુ સુધી તે શક્ય બન્યું નથી. પક્ષના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે જ બિનલોકશાહી પ્રણાલીનો આરંભ થતો હોય ત્યારે ભાજપ પાસે પ્રજા શું અપેક્ષા રાખશે ? તેવો સવાલ કર્યો હતો. ભય-લાલચની રાજનીતિથી ભાજપ હંમેશાં આવા હથકંડા કરતો હોય છે. માંડવીની જનતાએ ચૂંટણીમાં ભાજપને જાકારો આપ્યો હતો અને આવનારા દિવસોમાં પણ જવાબ આપશે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે ભાજપ હંમેશાં તોડ-જોડની  રાજનીતિ કરી સત્તાઓ મેળવવા પ્રયત્નશીલ હોય છે તેવું માંડવી તાલુકા કોંગ્રેસના પ્રવક્તા કિશોરદાન ગઢવીની યાદીમાં જણાવ્યું હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer