ભુજના સહયોગનગર ચાર રસ્તે મંદિર પાસે થતું દબાણ અટકાવો

ભુજ, તા. 12 : સહયોગનગર ચાર રસ્તે હનુમાન મંદિર નજીક નખાતા મોબાઇલ ટાવરનું કામ તેમજ જમીન દબાણ અટકાવવા કલેકટરને રહેવાસીઓ દ્વારા રજૂઆત કરાઇ હતી. રિલોકેશન સાઇટ બન્યા બાદ સ્વયંભૂ હનુમાન મંદિરનો છેલ્લા 12 વર્ષથી આજુબાજુની સોસાયટી સહયોગનગર, રોટરીનગર, ટોપહિલ, નરસિંહ મહેતાનગર વિ.ના રહેવાસીઓ સેવા-પૂજા અને મંદિરનો વિકાસ કરી રહ્યા છે. અગાઉ માત્ર નાનકડી દેરી હતી, જેને દાતાના સહયોગ સાથે મંદિર બનાવાયું. અહીં બારેક માસ અગાઉ ભજન ભાવ કરવાના ઉદ્દેશ સાથે નારણધામ સત્સંગ મંડળીવાળા લોકો બેસવા આવતા અને ધીરેધીરે સત્સંગની ઓથમાં રહેવાસીઓને અંધારામાં રાખી ખોટા આધારો ઊભા કરી મંદિરના પ્રાંગણમાં સરકારી જમીનમાં ખાનગી મોબાઇલ કંપનીનો ટાવર ઊભો કરી મંદિર પાછળ પગથિયાં કરી પાર્ટી પ્લોટ તથા આગળના ભાગમાં સરકારી જમીનમાં દબાણ કરી દુકાનો બનાવી આવક ઊભી કરવા સાથે પોતાના અંગત સ્વાર્થ સંતોષવા દબાણ કરી રહ્યા છે. તાત્કાલિક અસરથી જો આ બાંધકામ નહીં હટે તો તમામ રહેવાસીઓ ગાંધીચીંધ્યા માર્ગે જશે તેવી ચીમકી અપાઇ હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer