47 સુધરાઇ પર કેસરિયો, 16 કોંગ્રેસને

47 સુધરાઇ પર કેસરિયો, 16 કોંગ્રેસને
અમદાવાદ, તા. 19 (અમારા પ્રતિનિધિ તરફથી) : રાજ્યની 75 નગરપાલિકાઓનાં આજે જાહેર થયેલાં પરિણામો ઘણા ચોંકાવનારા આવ્યા હતા. 75 નગરપાલિકાઓમાંથી ભાજપના ફાળે 47 નગરપાલિકાઓ અને કોંગ્રેસને 16 નગરપાલિકાઓમાં સ્પષ્ટ બહુમતી મળી છે. નગરપાલિકાઓની ગત ચૂંટણી કરતાં ભાજપને આ વખતે 7 જેટલી સુધરાઇનું નુકસાન થયું છે, જ્યારે કોંગ્રેસને આઠ નગરપાલિકાનો ફાયદો થયો છે. સમગ્રતયા જોવામાં આવે તો કોંગ્રેસનો દેખાવ વિધાનસભાની ચૂંટણીની જેમ એકંદરે સારો અને ઘણો સુધારાયુકત રહ્યો છે. તો બીજીબાજુ ભાજપને આ વખતે શહેરી વિસ્તારોમાં પણ ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. કચ્છમાં રાપર નગરપાલિકા ભાજપ 15 બેઠકો સાથે અને ભચાઉ સુધરાઇ 19 બેઠકો સાથે કબ્જે કરી હતી. રાજ્યની ચાર નગરપાલિકાઓ પર અપક્ષોનો દબદબો જોવા મળ્યો, તો અન્ય છ બેઠકો એવી હતી કે જ્યાં ભાજપ કે કોંગ્રેસને કોઇ સ્પષ્ટ બહુમતી નથી મળી. તો એનસીપી અને બહુજન સમાજ પાર્ટી એક-એક નગરપાલિકા આંચકી ગયા છે. છ નગરપાલિકા મિશ્ર આવી છે, જ્યારે ચાર નગરપાલિકામાં અપક્ષોનો દબદબો રહ્યો છે. રાજ્યની 75 નગરપાલિકાઓની કુલ બેઠકોની વાત કરીએ તો કુલ 2060 બેઠકો પૈકી 1167 બેઠકો પર ભાજપ, 630 બેઠકો પર કોંગ્રેસ, બહુજન સમાજ પાર્ટી 15, એનસીપી 28 બેઠકો અને અન્ય પક્ષને 18 બેઠકો જ્યારે અપક્ષોના ફાળે 202 બેઠકો ગઇ છે.  પરિણામ આવતાં રાજ્ય ચૂંટણીપંચના અધ્યક્ષ મહેશ શાહના જણાવ્યા પ્રમાણે ભાજપ કરતાં કોંગ્રેસની બેઠકો વધી છે અને નગરપાલિકાઓનાં પરિણામ જોતાં ભાજપને 47 નગરપાલિકા, કોંગ્રેસને 16 નગરપાલિકા હસ્તગત થઇ છે. ગત ચૂંટણીમાં કોંગ્રેસને આઠ નગરપાલિકા હતી, જેમાં આજના પરિણામોમાં બેવડાઇ  છે અને 16 નગરપાલિકામાં વિજય મળ્યે છે. જો કે, કોંગ્રેસના પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસને 20થી વધુ નગરપાલિકા મળી છે, જ્યારે ભાજપના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ભાજપનો 47 નગરપાલિકામાં વિજય થયો છે, કોંગ્રેસની હાર થઇ છે. ભાજપને ગત ચૂંટણીમાં 54 નગરપાલિકાઓ હતી તેમાંથી ઘટી 47 થઇ છે, જ્યારે કોંગ્રેસની ગત ચૂંટણીમાં 8 હતી તે વધીને 16 થઇ હોવાનું જાણવા મળે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભાજપને નુકસાન થયું છે, જ્યારે કોંગ્રેસને ફાયદો થયો છે. સૌરાષ્ટ્રમાં ગત ચૂંટણીમાં કોંગ્રેસને ચાર નગરપાલિકા મળી હતી. આ વખતે બેવડાઇને આઠ નગરપાલિકા થઇ છે. બેઠકવાર જોતાં ભાજપને 1177 બેઠકો, કોંગ્રેસને 659 બેઠકો અને અપક્ષને 191 બેઠકો તથા અન્યોને 59 બેઠકો ફાળે આવી છે. બેઠકવાર જોતાં નરેન્દ્ર મોદીના વડનગરમાં કુલ 28 બેઠકોમાંથી 27 બેઠકો ભાજપને અને એક માત્ર સમ ખાવા પૂરતી બેઠક કોંગ્રેસને ફાળે આવી છે. જાફરાબાદમાં 28માંથી તમામ 28 બેઠકો ભાજપને બિનહરીફ મળી છે. જ્યારે રાજુલામાં 28માંથી કોંગ્રેસને 27 અને ભાજપને માત્ર એક બેઠક મળી છે. સાણંદમાં ભાજપને 28માંથી 24 અને કોંગ્રેસને ચાર બેઠકો મળી છે. આણંદના વલ્લભ-વિદ્યાનગરમાં 24 બેઠકોમાંથી 24 બેઠકો ભાજપને ફાળે ગઇ છે. જૂનાગઢના વંથલીમાં કુલ 24 બેઠકોમાંથી ભાજપને ચાર અને કોંગ્રેસને 20 બેઠકો મળી છે. ચોરવાડમાં કુલ 24 બેઠકોમાંથી ભાજપને 7 અને કોંગ્રેસને 17 બેઠકો મળી છે. બાંટવામાં કુલ 24 બેઠકોમાંથી 20 બેઠકો ભાજપને જ્યારે કોંગ્રેસને ચાર બેઠકો મળી છે. દ્વારકામાં કુલ 28 બેઠકોમાંથી 25 બેઠકો ભાજપને જ્યારે 3 બેઠકો અન્યને મળી છે. અહીં કોંગ્રેસને એક પણ બેઠક મળી નથી. સલાયામાં 28 બેઠકોમાંથી 24 બેઠકો કોંગ્રેસને અને ભાજપને ચાર બેઠકો મળી છે. ભાણવડમાં કુલ 24 બેઠકોમાંથી  ભાજપને 16 અને કોંગ્રેસને આઠ, ભાવનગરમાં કુલ 28 બેઠકોમાં ભાજપને 14 અને કોંગ્રેસને પણ 14 બેઠકો મળી છે. આમ અકંદરે ભાજપને ઘણી બેઠકોમાં અપસેટ સર્જાતાં કુલ બેઠકોમાંથી 1177 બેઠકો, કોંગ્રેસને 659  બેઠકો, અપક્ષોને 191 બેઠકો અને અન્યોને 59 બેઠકો મળી છે. ભાજપને બેઠકોનું નુકસાન થયું છે, જ્યારે કોંગ્રેસને બેઠકો વધુ મળી છે અને થોડી નગરપાલિકાઓનો પણ ફાયદો થયો છે. આમ એકંદરે કોંગ્રેસને બેઠકો વધતાં  ફાયદો જરૂર થયો છે જ્યારે ભાજપના મતો ઘટતાં જનસમર્થન ઘટયું હોવાનું સમજાય છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer