મોટા ભાડિયાના ગુમ થયેલા યુવાનની હત્યા

મોટા ભાડિયાના ગુમ થયેલા યુવાનની હત્યા
મોટા ભાડિયા (તા. માંડવી), તા. 19 : આ ગામના 19 વર્ષીય યુવક દેવાંધ માણેક ગઢવી (ગેલવા) જે મહાશિવરાત્રિની પૂર્વ રાત્રિએ તા. 12/2ના ગુમ થયો હતો, તેનું ખૂન?થયાની શંકાને સાચી ઠેરવતાં ગામના જ બે યુવકોએ ઘાતકી હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. ગુમ થયેલા યુવકના મૃતદેહના ટુકડા કરી નાના ભાડિયા-મોટા કાંડાગરા રોડ પર ખેતરપાળ દાદાનાં મંદિરની પૂર્વે બાવળની ગીચ ઝાડી વચ્ચે બોરમાં ફેંકી દેવાઇ હતી.   જિલ્લાના એસ.પી. શ્રી ભરાડા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને દેહ શોધવાનો વ્યાયામ શરૂ થયો હતો. બનાવના સ્થળ પરથી `કચ્છમિત્ર' સાથે વાતચીત કરતાં તપાસનીશ પીએસઆઇ પાલુભાઇ કાનાભાઇ ગઢવીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, એસ.પી. શ્રી ભરાડાની સૂચના અને માર્ગદર્શન મુજબ છેલ્લા પાંચેક દિવસ આ બનાવ પાછળ   ધ્યાન કેન્દ્રિત કરાતાં આજે સવારે આ બનાવનો ઘટસ્ફોટ થયો હતો. ગઇકાલે  દારૂમાં ઝડપાયેલા રામ પબુ ગઢવી અને તેના સાથી ખીમરાજ હરિભાઇ ગઢવી અને આરોપી તરફ પૂછતાછમાં શંકા ઘેરી બનતાં આરોપી રામને ગઇકાલે જ લોકઅપમાં ધકેલાયો હતો. આજે સવારે ખીમરાજ હરિની આગવી ઢબે આકરી પૂછતાછ કરતાં તે ભાંગી પડયો હતો અને રામ પબુ સાથે મળીને તા. 12ના રાત્રે દેવાંધને સ્થળ?પર બોલાવી રસ્સી વડે ટૂંપો દઇ હત્યાને અંજામ આપ્યો હોવાનું કબૂલ્યું અને હત્યા કર્યા બાદ સિફતપૂર્વક લાશના ટુકડા કરી 65 ફૂટ નીચે આવેલા બોરમાં લાશને પધરાવી દઇ દેવાંધની મોટરસાઇકલ અને મોબાઈલ લઈ માંડવી બાજુ આવી માંડવીના જૈનમનગરમાં મોટરસાઈકલને રેઢી મૂકી દીધી અને બીજા દિવસે મોબાઇલમાંથી સીમકાર્ડ કાઢી મોબાઇલને પણ ઘા કરી દીધો હતો. બનાવની રાત્રિએ જાણે કંઇ જ બન્યું ન હોય તેમ આરોપીઓ પોતાના ઘરે નિંદર માણી હોવાનું પોલીસે ઉમેર્યું હતું. બંને  આરોપીઓને આજે પોલીસે જબ્બે કરી લીધા હતા. બનાવ પછવાડે રૂપિયાની લેતી-દેતી જવાબદાર હોવાનું આરોપી પૈકીના ખીમરાજે જણાવ્યું હતું. મરણજનાર દેવાંધ આરોપી રામ પર રૂા. સાંઇઠ હજાર માગતો હોવાથી તે રૂપિયા ચૂકવવા ન પડે તે માટે આ કૃત્ય કર્યું હોવાની કેફિયત પોલીસ સમક્ષ?વર્ણવી હતી. અત્રે એ ઉલ્લેખનીય છે કે, ગઇકાલે સાંજે જ આ ગામના પૂર્વ સરપંચ કલ્યાણભાઇ કમાભાઇ ગઢવીની આગેવાની હેઠળનું પ્રતિનિધિમંડળ પોલીસને રૂબરૂ મળી આ બનાવનો તાગ મેળવવા રજૂઆત કરી હતી. સ્થળ નિરીક્ષણ કરતાં પોલીસની દોરવણી હેઠળ બનાવના સ્થળની સામે  આવેલી  ટાટા પાવર કંપનીના ફાયર અને સેફ્ટી વિભાગના જવાનોની ટીમ મૃતદેહ શોધવામાં મદદ કરી રહી છે. પ્રથમ પ્રયાસે થોડે ઊંડેથી લાશના ટુકડા પર ઢાંકેલા ચીથરાં અને પ્લાસ્ટિક બહાર નીકળ્યા હતા પણ લાશના ટુકડેટુકડા હોઇ આસાનીથી લાશ હાથમાં આવે તેમ ન હોતાં હિટાચી મશીનના સહારે 65 ફૂટ લાંબી સુરંગ ખોદી દેહના ટુકડા બહાર કાઢવાની મથામણ થઇ રહી છે. લાશ હાથમાં આવ્યા બાદ તેને એફએસએલ - જામનગર મોકલવાની તજવીજ થશે. એસ.પી. શ્રી ભરાડા ઉપરાંત એએસપી રવિ તેજા વાસમ સેટી, એસઓજી પીઆઇ શ્રી ખાંટ, મુંદરાના પીએસઆઇ ટી.એચ. પરમાર સહિતનાઓએ ઘટનાસ્થળની મુલાકાત લઇ તટસ્થ તપાસની ધરપત આપી કાર્યવાહીમાં માર્ગદર્શક સૂચનો કર્યા હતા. અખિલ કચ્છ ગઢવી સમાજના અધ્યક્ષ વિજયભાઇ ગઢવીએ આ કલંકિત ઘટના સમાજ માટે લાલબત્તી સમાન ગણાવી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer