અજરખપુર એટલે કલા-કારીગરીનું જીવંત નિદર્શન

અજરખપુર એટલે કલા-કારીગરીનું જીવંત નિદર્શન
કલ્પેશ પરમાર દ્વારા  કુકમા, તા. 19 : લાખોંદ પાટિયાથી પદ્ધર તરફના રસ્તે જતાં વચ્ચે આવતું નાનકડું ગામ `અજરખપુર' બ્લોક પ્રિન્ટ માટે મોટી નામના ધરાવે છે. અહીંના મોટા ભાગના પરિવારો આ વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગામમાં લટાર મારો તો અનેક જગ્યાએ આ પ્રખ્યાત કલા-કારીગરીનું જાણે જીવંત નિદર્શન જોવા મળે છે. ભૂકંપ પછી નવ-દસ પરિવારો પતરાંના શેડમાં અહીં રહેવા આવ્યા હતા. ધીમે-ધીમે અન્ય પરિવારો આવતાં ગયા અને આજનું અજરખપુર બન્યું છે. અજરખ અરબી શબ્દ છે જેનો અર્થ આસમાની રંગ થાય છે. આ  કલામાં ગળીનું પ્રભુત્વ વધુ પડતું હોવાથી કદાચ અજરખ તરીકે ઓળખાણ મળી હોય એવું માનવામાં આવે છે. બાકી તો સૂતરાઉ, ઊન, રેશમના કાપડમાં પ્રિન્ટોનો જાદુઈ સમન્વય છે. તેની ખાસિયત એ છે કે તે સંપૂર્ણપણે હાથથી જ બનાવાય છે. આ કારીગરી સિંધ, બારમેડ અને કચ્છમાં જ જોવા મળે છે. કચ્છમાં ધમડકા અને અજરખપુર આ કલાના બે કેન્દ્રો છે. અજરખપુરમાં ધીમે-ધીમે અન્ય કારીગર ખત્રી પરિવારો આવતા ગયા, પછી `જમીયતે ઊલમા હિંદ' તરફથી 112 મકાન બનાવી આપવામાં આવ્યા. અત્રે વી.આર.ટી.આઈ. તરફથી અનેક કારખાના બનાવી અપાયા છે. હાલ અંદાજે 150 કુટુંબો અહીં વસે છે. આ પરિવારોએ ફાળો આપી સમાજવાડી પણ બનાવી છે. અહીં આંગણવાડી, પ્રા. શાળા, મદરેસા વગેરે છે.  બહુ પહેલાં આ ક્ષેત્રે કેમિકલયુક્ત રંગો વપરાતા, ધીમે-ધીમે આ રંગોથી થતી નુકસાનીની જાણ કારીગરોને થવા લાગી. વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ આ રંગોથી ત્વચાને થતી ભારે નુકસાની અને રોગો વિશેની જાણકારી આપી, તેના પછી શુદ્ધ વનસ્પતિ કલરનો વપરાશ શરૂ થયો. આ રંગોથી  તૈયાર થયેલા સાડી, દુપટ્ટા, સ્ટોલ, પંજાબી ડ્રેસ વગેરે વિદેશીઓમાં લોકપ્રિય છે. હવે વાત કરીએ બ્લોક પ્રિન્ટના વિદેશમાં સન્માનિત પ્રખ્યાત ઈસ્માઈલ મોહંમદ ખત્રીની. ઈસ્માઈલભાઈ તેમના પિતા પાસે આ કલા શીખ્યા છે. તેમના કહેવા મુજબ અનેક કારીગરો આઠ-નવ પેઢીથી આ જ ક્ષેત્રે સંકળાયેલા છે. વિદેશી વિદ્યાર્થિની ઈલ્યુનિટ એડવર્ડે પીએચ.ડી. માટે ઈસ્માઈલભાઈનું પૂરું માર્ગદર્શન મેળવ્યું હતું. ધીમેધીમે ઈસ્માઈલભાઈ કુનેહ અને મહેનતથી આ ક્ષેત્રે આગળ વધતા ગયા. 2002માં લેસ્ટર (યુ.કે.) ખાતે તેઓએ દુનિયાભરના અગ્રણીઓ સામે ત્યાં `અજરખ' પરનું પ્રેઝન્ટેશન આપ્યું હતું. જેમાં તેઓ છવાઈ ગયા હતા. 2003માં યુ.કે.ની ડી મોન્ટફોર્ટ યુનિવર્સિટીએ તેમને `ડોક્ટરેટ'નું સર્વોચ્ચ સન્માન આપ્યું. 2006નું યુનેસ્કોનું `સીલ ઓફ એક્સેલન્સ' સન્માન પણ તેમને મળ્યું હતું. અજરખપુરમાં વસતા આટલા મોટા કારીગરની જોઈતી કદર અહીંની સરકારે કરી નથી. તેઓના કહેવા મુજબ અહીં કાયદામાં અર્થઘટન મુજબ `સ્વયંસિદ્ધ' કરવું, એટલે કે કોઈપણ ખિતાબ કે સન્માન માટે દાવેદારી નોંધાવવી પડે છે, જે તેમને મંજૂર નથી. તેઓ કહે છે કે માગો પછી મળે એ સન્માન શું કામનું ? તેમના અજરખપુર ખાતે આવેલા અજરખ સ્ટુડિયોની વિઝિટર બુક પર નજર કરો તો તેમાં દેશ-વિદેશના અનેક કલાપ્રેમીઓની તેમને બિરદાવતી નોંધો જોવા મળે છે. ડો. ઈસ્માઈલભાઈ `અજરખપુર હસ્તકલા વિકાસ સંગઠન'ના પ્રમુખ છે. તેમને ત્યાંની સગવડ-અગવડ વિશે પૂછતાં તેઓ કહે છે કે અમારા વ્યવસાયમાં પાણીની જરૂરિયાત વધુ છે, અત્રે આવનારા સમયમાં અંદાજે દોઢ કરોડના ખર્ચે (ઈક્લુન ટ્રીટમેન્ટ પ્લાન્ટ) બનશે. જેમાં વોટર રિસાઈકલિંગથી રંગોવાળા પાણીને  સાફ કરી, ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવું બનાવાશે, જેથી પાણીની સમસ્યા કદાચ હલ થશે. લાઈટ પણ છે પરંતુ પાકા રસ્તા નથી, વરસાદના દિવસોમાં ઘરથી કારખાના સુધી પહોંચવામાં પણ ખૂબ તકલીફ ગામલોકો   અનુભવે છે.  અંદાજે 900 જેટલી વસ્તીવાળું આ ગામ સરકાર ઈચ્છે તો વધુ વિકાસ પામે. અહીંના ખત્રી કારીગરોને પૂરતું પ્રોત્સાહન મળે તો પોતાની કલા-કારીગરીનો ડંકો વિશ્વભરમાં વગાડી શકે એટલા સક્ષમ છે. બાકી અહીં દેશ-વિદેશના અનેક મુલાકાતીઓની અવરજવર ચાલુ હોય છે. અનેક કુશળ કારીગરોના વર્કશોપ આવેલા છે. સરકાર વધુ મદદ કરે તો હજુ પણ સવાયા અજરખપુરની છાપ મનમાં લઈ વિદેશીઓ અહીંથી જાય. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer