ગાંધીધામના બે દિ'' પહેલાં બનેલા માર્ગ નીચેથી પાણીના ફુવારા ઊડતાં ચકચાર

ગાંધીધામના બે દિ'' પહેલાં બનેલા માર્ગ નીચેથી પાણીના ફુવારા ઊડતાં ચકચાર
ગાંધીધામ, તા. 19 : શહેરની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા એવી નગરપાલિકાના કયાંય પણ વિકાસના કામ ચાલુ હોય ત્યાં ભ્રષ્ટાચારનો આક્ષેપ  ન થાય તો જ નવાઈ. શહેરના સુંદરપુરી પાણીના ટાંકાથી હીરાલાલ પારેખ સર્કલ સુધીના ધણી માતંગ દેવ માર્ગ પર થયેલા નવીનીકરણના કામમાં અનેક વખત ભ્રષ્ટાચારના આક્ષેપ થયા છે. માત્ર બે દિવસ પહેલાં જ બનાવાયેલા આ રોડ નીચેથી પાણીના ફુવારા છૂટતાં આ માર્ગ કેટલા દિવસ ચાલશે તેવું નગરજનો પૂછી રહ્યા છે.  શહેરના ધણીમાતંગ દેવ રોડને કરોડોના ખર્ચે નવો બનાવવા આયોજન કરાયું હતું. આ માર્ગનું કામ શરૂ થયું છે ત્યારથી ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે.  ડીવાઈડર નાખીને બંને બાજુ માર્ગ બનાવવાના આ માર્ગમાં લોટ, પાણી ને લાકડાની નીતિ અપનાવાઈ છે. આ માર્ગની નીચે રહેલી ગટર, પાણીની લાઈનો,  તથા ચેમ્બર બરોબર બનાવાયા નથી અને તેના ઉપર રોડ પાથરી દેવામાં આવ્યો છે. બે દિવસ અગાઉ આ માર્ગ બનાવાતો હતો ત્યારે સફાઈ કર્યા વગર કચરા ઉપર જ ડામર પાથરવામાં આવતો હતો જેથી એક સ્થાનિક નગરસેવક ગિન્નાયા હતા અને કામ અટકાવ્યું હતું. પરંતુ બાદમાં ઘીના ઠામમાં ઘી પડી જતાં પરત કામ શરૂ કરી દેવાયું હતું. આ અગાઉ સ્થાનિક દુકાનદારોએ પણ આવા તકલાદી કામનો વિરોધ કર્યો હતો. માત્ર બે દિવસ અગાઉ જ બનાવાયેલા આ માર્ગ નીચેથી આજે પાણીના ફુવારા છૂટતાં  દુકાનદારો અને લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું. તેમજ આ રોડ કેટલા દિવસ ટકશે તેવા પ્રશ્નો એકબીજામાં પૂછી રહ્યા હતા.  અહીંની પાલિકાના મોટાભાગના કામ આવા જ તકલાદી હોય છે. આવા કામ થતાં હોય ત્યારે પાલિકાના નાયબ ઈજનેર હાજર જ નથી રહેતા અને બાદમાં તેને પાસ કરી પ્રસાદી લઈ લેવામાં આવે છે. તો આવા કામોની મુખ્ય અધિકારી પણ કયારેય મુલાકાત લેતા નથી. ઈજનેરની ખાલી જગ્યા  પુરાતી જ નથી. તેવા આક્ષેપો પણ થયા હતા. જો આ અંગે ઉપરી અધિકારીઓ અને સત્તાવાળા નહીં જાગે તો લોકોના પૈસાનું પાણી થતું જ રહેશે તેમાં બે મત નથી.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer