પ્રાણીઓની અનોખી મૈત્રીનું લાલન-પાલન

પ્રાણીઓની અનોખી મૈત્રીનું લાલન-પાલન
મુંદરા, તા. 19 : મુંદરા તાલુકાના ગુંદાલા ગામે ભગત બાપાની વાડીના આંગણે જન્મજાત જાનીદુશ્મનો એવા કૂતરા, બિલાડી ને પોપટ પારેવા નિર્ભિક બની એક પરિવારની જેમ મળીને રહે છે. નાતાલની રજાઓમાં પ્રકૃતિને નિહાળવા રખડપટ્ટી કરતા આ સુખદ આશ્ચર્ય પમાડે તેવી ઘટના પ્રકાશમાં આવી હતી. ભગત બાપાના નામે ઓળખાતા પરિશ્રમી ખેડૂત જેસાજી કરમણજી રાજપૂતની વાડીના આંગણે સોથી વધુ સફેદ કબૂતર, ચૌદ કૂતરાઓ, આઠ બિલાડી ને ત્રીસ ગાયો-ભેંસોના મૂંગા જીવોનો પરિવાર ઘરના સભ્યોની જેમ આ સુખ સદનમાં રહે છે. એક જ કુંડીમાં પાણી પીને- વાડીનું અન્ન-જળ ખાઇને મુક્ત ગગને વાડીવિહાર કરતા પંખીઓ જોવાનો અહીં અનેરો લ્હાવો છે. પરિવારના સભ્યો જેટલી જ આ મૂંગા જીવોની સંભાળ લેતા દિવાળીબા કહે છે કે, એકલા એકલા ખાવા કરતાં વહેંચીને ખાઇએ ત્યારે રોટલો વધુ મીઠો લાગે છે. વાડીના આંગણામાં તોફાન મસ્તી કરતા અબોલ જીવોને જ્યારે ભગત બાપાના લાગણીસભર હાથનો સ્પર્શ મળે ત્યારે આ મૂંગા જીવો પણ ડાયા થઇને ખોળામાં બેસી જાય. પૂંછડી પટપટાવીને કે આંખોને નમ્ર કરી પ્રતિસાદ આપે ત્યારે આ માનવીય સંબંધો દર્શનીય લાગે. બાને વહાલી બિલાડી એમ કહેતાં પરિવારના રાજુભાઇ કહે છે કે, અહીં મંદિરવાળી `મા'ના રાજીપાથી છેલ્લા ત્રણ દાયકાથી ગાયોના પેટે વાછરડીઓ જ અવતરે છે. પ્રકૃતિપ્રેમી ડો. કેશુભાઇ મોરસાણિયા સાથે  વાત કરતાં ભગત બાપા કહે છે કે, રસોડામાં ખાવાના રોટલા હોય કે દૂધના તપેલા પડયા હોય - આજ્ઞા વિના કોઇપણ કૂતરું બિલાડું વાસણને અડે પણ નહીં. વાડીમાં ચણ ચણતા કબૂતરો પાસે કૂતરું સહજ રીતે બેઠું હોય છે. જ્યાં પણ જીવ છે ત્યાં પંચ તત્ત્વ છે જ. આ પશુ-પંખીઓની સેવા એ અમારે મન પંચ તત્ત્વની પૂજા જ છે. ચામુંડાધામના પૂજાવ્રતી ઉમાબહેન જણાવે છે કે, સંધ્યા આરતી સમયે મંદિરમાં કૂતરાનું ભોંકવાનું, કૂતરા, કબૂતરને બિલાડાનું સાથે રહેવું એ કુદરતી ઋણાનુબંધન હશે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer