ગાંધીધામ : એરપોર્ટ રોડ પર ગાબડાં પડી જતાં કોન્ટ્રેક્ટરને નોટિસ

ગાંધીધામ, તા. 19 : એરપોર્ટ રોડ પર ઠેર ઠેર પડી ગયેલાં ગાબડાં અંગે સુધરાઇના તંત્રવાહકો સામે ફરિયાદ કરાયા બાદ પાલિકા દ્વારા કોન્ટ્રેક્ટરને નોટિસ ફટકારવામાં આવી છે. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગાંધીધામના ઓમ મલ્ટિપ્લેક્સ સિનેમાથી રાજવી ફાટક સુધીના એરપોર્ટ રોડને પહોળો કરી ડામર રોડ બનાવવામાં આવ્યો હતો. આ રોડ બન્યાના થોડા સમયમાં જ ઠેર ઠેર ખાડા પડી ગયા હતા. આ અંગે રવીન્દ્ર એન. સબરવાલે રોડની બદતર સ્થિતિ અંગે સુધરાઇના મુખ્ય અધિકારી અને જુનિયર ઇજનેરને પત્ર પાઠવી ઠેકેદાર સામે પગલાં લેવા તાજેતરમાં રજૂઆત કરી હતી. આ સંદર્ભે મુખ્ય અધિકારીએ કોન્ટ્રેક્ટર આર.ટી. પેવર ઇન્ડસ્ટ્રીઝને નોટિસ ફટકારી હતી. કામના ટેન્ડરની શરતમાં ત્રણ વર્ષ ફ્રી મેન્ટેનન્સની જોગવાઇ કરવામાં આવી હોઇ રોડ ઉપર પડેલા ખાડાઓ સ્વખર્ચે સાત દિવસમાં રિપેર કરવા તાકીદ કરાઇ છે. જો સપ્તાહમાં આ કામગીરી નહીં થાય તો કોન્ટ્રાક્ટરના ખર્ચે અન્ય એજન્સી પાસેથી કામ પૂરું કરાવાશે. અત્રે ઉલ્લેખનીય છે કે રોડમાં પડેલાં ગાબડાં અંગે પાલિકા દ્વારા વર્ષ 2016માં પણ તાકીદ કરાઇ હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer