ગુજરાત-રાજસ્થાન સરહદે ઊંબાડિયું ન કરવા પાકને તાકીદ

ગુજરાત-રાજસ્થાન સરહદે ઊંબાડિયું ન કરવા પાકને તાકીદ
ભુજ, તા. 17 : કાશ્મીર સરહદેથી આતંક અને સરહદ પારના ગોળીબારની ફેલાયેલી તંગદિલી હવે જમ્મુ વિસ્તારને પણ દઝાડી રહી છે ત્યારે શાંત રહેલી ગુજરાત અને રાજસ્થાનની સરહદે તંગદિલીની સ્થિતિ થાય તેવી કોઇપણ જાતની પ્રવૃત્તિથી અળગા રહેવાની પાકિસ્તાનને ભારતે તાકીદ કરી છે.  ગુરુવારે પાકિસ્તાનના ખોખરાપાર ખાતે યોજાયેલી બન્ને દેશો વચ્ચેની ચાવીરૂપ ફ્લેગ મિટિંગમાં ભારતીય પ્રતિનિધિમંડળના વડા અને સીમાદળના કચ્છ સેક્ટરના ડીઆઇજી આઇ.કે. મહેતાએ પાકિસ્તાનના થાર રેન્જર્સના બ્રિગેડીયર નાદિરને આ સ્પષ્ટ શબ્દોમાં આ તાકીદ કરીને સરહદે શાંત સ્થિતિને જાળવી રાખવાની જરૂરત પર ખાસ ભાર મૂક્યો હતો.  આ સંદર્ભમાં હવે આવી બેઠક વર્ષમાં એક વખતને બદલે બે વખત બોલાવવાનો બન્ને પક્ષોએ નિર્ણય લીધો છે જેથી સરહદે કોઇપણ જાતની ગેરસમજણ ઊભી થાય નહીં. બાડમેર સરહદે ભારતીય ગામ મુનાબાવથી માત્ર 15 મિનિટના રણ રસ્તે આવેલા ખોખરાપાર નગરમાં પાકિસ્તાની થાર રેન્જર્સના યજમાનપદે યોજાયેલી આ વાર્ષિક ફલેગ માટિંગમાં 12 કલાક સુધી વાટાઘાટોનો લંબાણભર્યો દોર ચાલ્યો હતો.  ભારતીય પક્ષના વડા ડીઆઇજી  મહેતાએ પાકિસ્તાની સમકક્ષ બ્રિગેડીયર નાદિર અને તેમના અધિકારીઓને અમુક મુદ્દે સ્પષ્ટ ભાષામાં કડક સંદેશો પણ આપ્યો હતો.  ખાસ તો કચ્છના કુખ્યાત હરામીનાળા વિસ્તારમાં પાકિસ્તાની માછીમારોની ઘૂસણખોરી સામે સીમાદળની કાર્યવાહીને હળવી બનાવવાની દરખાસ્તને ભારતીય પક્ષે સોય ઝાટકીને નકારી કાઢી હતી.  ડીઆઇજી મહેતાએ બેઠકમાં સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે એક સાથે પાંચથી દસ બોટમાં આવતા ઘૂસણખોરોને રોકવા અનિવાર્ય છે. વળી પાકિસ્તાન તરફથી આતંકવાદીઓ ઘૂસણખોરી કરે એવી સતત ભીતિ રહેતી હોય છે આવામાં સરહદને સામેપાર સરકારી તંત્રનો પણ તેમને સહયોગ મળતો હોવાથી સીમાદળ તેની કાર્યવાહીમાં જરા પણ હળવાશ આણી શકે નહીં. જો કે પાકિસ્તાની અધિકારીઓએ સરહદપારથી આતંકીઓને મદદ કરાતી હોવાના શ્રી મહેતાના દાવાને ખોટો ગણાવ્યો હતો. બેઠકમાં બન્ને દેશોના 25- 25 ઉચ્ચ અધિકારીઓ જોડાયા  હતા. આમાં સર્વે જનરલ વિભાગ અને કેફી દ્રવ્યો વિરોધી એજન્સીઓના અધિકારીઓ ઉપરાંત પાકિસ્તાન મરીન્સના અધિકારીઓનો સમાવેશ થાય છે.બન્ને દેશ વચ્ચે ખોડાયેલા બોર્ડર પીલરના સર્વે અને જીપીએસ આંકણીના કામમાં કચ્છમાં 1175 નંબરના પીલર બાદ વિવાદગ્રસ્ત સિરક્રીક સરહદે કોઇ કાર્યવાહી હાથ ન ધરવા બન્ને દેશના સર્વે જનરલ વિભાગના અધિકારીઓને સત્તાવાર સૂચના અપાઇ હતી. આગામી બેઠક ભારતના મુનાબાવ વિસ્તારમાં છ મહિના બાદ યોજવાની સંમતિ બન્ને દેશોએ વ્યક્ત કરી હતી. આ રીતના સંપર્ક વધારીને ગેરસમજણના મુદ્દા ઉકેલવાની જરૂરત પર પણ બેઠકમાં ભાર મુકાયો હતો. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer