કચ્છમાં પેયજળની જરૂરિયાતને તમામ રીતે પહોંચી વળશું

કચ્છમાં પેયજળની જરૂરિયાતને તમામ રીતે પહોંચી વળશું
ભુજ, તા. 17 : આજે કચ્છ આવેલા પાણી પુરવઠા બોર્ડના ચેરમેન જે.પી. ગુપ્તાએ જણાવ્યું હતું કે નર્મદાની નહેરમાં પાણીની તકલીફ છે એ વાત સાચી છે. પરંતુ કચ્છ માટે પીવાનાં પાણીની કોઇ જ મુશ્કેલી નથી, સરકારે પેયજળ માટે તમામ પગલાં લીધાં છે અને ઉનાળો હોય કે અન્ય કોઇ બાબત હોય, વ્યવસ્થામાં પીવાના પાણીની જરૂરિયાતને પહોંચી વળાશે. કચ્છમાં છેલ્લા 10 વર્ષથી પ્રભારી સચિવ તરીકે રહેલા શ્રી ગુપ્તાએ આજે મોડી સાંજે `કચ્છમિત્ર' સાથે ખાસ વાતચીત કરી હતી. કચ્છમાં પીવાના પાણીનો મુખ્ય સ્રોત હોય તો એ છે નર્મદાની નહેર, જો હાલમાં આવી કટોકટી છે તો ઉનાળામાં હાલત કેવી હશે આ બાબતે પાણી પુરવઠાના ચેરમેન અને એમ.ડી.નો હવાલો સંભાળતા સનદી અધિકારીને સવાલો કરવામાં આવ્યા ત્યારે તેમણે પીવાના પાણીની બાબતમાં ગભરાવવાની જરૂરત નથી તેવી ધરપત આપી હતી. તેમણે કબૂલ્યું હતું કે નર્મદાનાં પાણીની ખેંચ માત્ર કચ્છમાં નહીં સમગ્ર રાજ્યમાં છે પરંતુ પીવાના પાણી માટે થોડા?ઘણા અંશે બાદ કરીને કયાંય કોઇ મુશ્કેલી નહીં સર્જાય કારણ કે પાણી પુરવઠા બોર્ડની બેઠકમાં તેમણે કચ્છની સાત નવી યોજનાઓને મંજૂરી આપી દીધી છે. ખાસ કરીને પશ્ચિમ કચ્છના મીઠી, ગોંધાતડ અને પૂર્વ કચ્છના ફતેહગઢ, સુવઈ, ગજણસર ડેમ આધારિત પાણી ખેંચવાની યોજનાઓના ટેન્ડર પણ બહાર પડી ગયા છે. તમામ યોજનાઓને મંજૂરી આપી દેવામાં આવી છે. નવા બોર બનાવવાની પરવાનગી આપવામાં આવી છે. ટપ્પર ડેમમાં પાણી 15 માર્ચ સુધી આપી શકાય એટલો જ જથ્થો છે એ પ્રશ્ન સામે તેમણે કહ્યું કે નર્મદા નહેરનું પાણી ટપ્પર લાવવા ચાલુ થઇ ગયું છે અને ખૂટે તે પહેલાં જ ભરી દેવામાં આવશે એમાં કોઇ બે મત નથી. ભુજ કે ભુજથી આગળના પશ્ચિમ કચ્છના લખપત અબડાસાનાં ગામો માટે જે અઢીસો કિલોમીટરની લાઇનમાંથી ઢાંકીથી પાણી આવે છે તેના બદલે 40 કિ.મી. ટપ્પરથી પાણી લાવવામાં આવશે એટલે સરળતા થશે. અબડાસા, લખપત, નખત્રાણા અને માંડવી તરફના ગામોને પેયજળની નર્મદાની લાઇનો જે આગળના કામો બાકી હતા તે તમામ મંજૂર કરી દેવામાં આવ્યા છે. મોથાળા ખાતે જે 2 કરોડ લિટરની ક્ષમતાવાળા ટાંકા બન્યા છે, તેને આગળ લઇ જવા રૂા. 150 કરોડની નવી 6 યોજના પણ મંજૂર કરી દેવામાં આવી છે, એમ ચેરમેને કહ્યું હતું. પીવાનાં પાણીને લાગે છે ત્યાં સુધીની તમામ માળખાંકીય સુવિધાઓ મંજૂર પણ કરવામાં આવી છે. આગામી સમયમાં 450 એમ.એલ.ડી.ની જરૂરિયાતને ધ્યાનમાં લઇને મહત્ત્વના નિર્ણય લેવાયા હોવાનું તેમણે આ મુલાકાતમાં કહ્યું હતું. પણ અંજારથી કુકમા સુધીની નર્મદાની મુખ્ય પાઇપલાઇન છે, તેની ક્ષમતા માત્ર 90 એમએલડીની છે. આ પ્રશ્ન સામે થોડીવાર સામે જોઇને ચશ્માં ઉતારતાં કહ્યું કે, આ એક ખૂબ જ મહત્ત્વાકાંક્ષી નિર્ણય છે અને ખુદ મુખ્યમંત્રી આ બાબતે રસ લઇ રહ્યા છે. સમાંતર નવી પાઇપલાઇન માટે ખુદ મુખ્યમંત્રી ટૂંક સમયમાં નિર્ણય લેશે તેવી ધરપત આપી હતી. લાંબાગાળાની પણ  વિચારણા ચાલે છે અને નર્મદાનું પાણી, ઉપરાંત ડિસેલીનેશન અને સ્થાનિક સોર્સ આ ત્રણેય પ્રકલ્પને કાયમ કરવામાં આવશે. ઉદ્યોગોને નર્મદાનું પાણી ઓછું આપીને ડિસેલીનેશન કરવા તરફ ધ્યાન આપવામાં આવશે એવી ખાતરી આપી હતી. સિંધુનાં પાણી રણમાં ઉલેચવાનો  નિર્ણય કરાતાં તેઓ ખુશ થઇ ગયા અને કહ્યું કે, આ પ્રથમ પ્રયોગ છે, જે સફળતાની દિશામાં આગળ વધીએ છીએ. આજે જ તેમને મળેલા રિપોર્ટ પ્રમાણે 750 ફૂટે બોર થઇ જતાં પાણી આવવાની શરૂઆત થઇ ચૂકી છે. પાણીના ટીડીએસ ગમે તેટલા હશે પણ જો મળશે તો એક મોટી સમસ્યા હલ થઇ જશે તેવો આશાવાદ શ્રી ગુપ્તાએ વ્યકત કર્યો હતો. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer