ગળપાદર જેલ ફરતે થઇ ગયેલાં અનેક પાકાં દબાણો ઉપર અંતે બુલડોઝર ફર્યું

ગળપાદર જેલ ફરતે થઇ ગયેલાં અનેક  પાકાં દબાણો ઉપર અંતે બુલડોઝર ફર્યું
ગાંધીધામ, તા. 17 : પૂર્વ કચ્છ પોલીસ જિલ્લો અસ્તિત્વમાં આવ્યા બાદ તાજેતરમાં જ ગાંધીધામ તાલુકાના ગળપાદર ગામની સીમમાં બનેલી પૂર્વ કચ્છની જિલ્લા જેલને લાંબા સમયથી નડતરરૂપ પાકાં દબાણો પર આજે ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. ગળપાદરની સીમમાં બનેલી  આ જિલ્લા જેલમાં પૂર્વ કચ્છના કેદીઓને તાજેતરમાં જ લાવવામાં આવ્યા હતા. જેલની જમીનમાં દબાણોનો પ્રશ્ન લાંબા સમયથી ચર્ચામાં હતો. જેલની દીવાલને અડોઅડ દબાણકારો દ્વારા પાકાં બાંધકામ ખડકી દેવાયાં હતાં.  દરમ્યાન, આજે ગળપાદર ગ્રામ પંચાયત દ્વારા તાલુકા વિકાસ અધિકારીની હાજરીમાં પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવ ઝુંબેશ આદરાઇ હતી. જેલની દીવાલ પાછળ જ ખડકાયેલાં 20થી 25 જેટલાં પાકાં દબાણો તોડી પાડવામાં આવ્યાં હતાં. આ ગ્રામ પંચાયત દ્વારા તમામ દબાણકારોને 7 દિવસની નોટિસ આપવામાં આવી હતી. આ દબાણોના કારણે જેલની સુરક્ષામાં વિક્ષેપ સર્જાતો હતો. જો કે, તંત્રની આ કામગીરી પાસેરામાં પૂણી સમાન છે. જેલની જમીન આસપાસ અનેક દબાણો હજુ ખડકાયેલાં જ છે. જેલ માટે જમીન ફાળવાઇ ત્યારથી દબાણનો પ્રશ્ન યથાવત્ હતો. ત્યારબાદ આજે હટાવવાની કામગીરી થઇ હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer