દ. આફ્રિકામાં શ્રેણી જીતી ભારતે કરી વિક્રમોની વણઝાર

દ. આફ્રિકામાં શ્રેણી જીતી ભારતે કરી વિક્રમોની વણઝાર
નવી દિલ્હી, તા. 17 : દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી 6 વન-ડેની શ્રેણી ભારતે 5-1થી પોતાના નામે કરી લીધી છે. છેલ્લી  વન-ડેમાં ભારતે 8 વિકેટે જીત મેળવી હતી. આ જીત સાથે ભારતે કેટલાય ખાસ વિક્રમો પોતાના નામે કરી લીધા છે. જેમાં એક શ્રેણીમાં પાંચ વન-ડે જીતવાના રેકોર્ડ સાથે સૌથી ઝડપી 9500 રન, એક જ  સિરીઝમાં સૌથી વધુ રન વગેરે વિક્રમોનો સમાવેશ થાય છે. ત્રણ વખત એક જ શ્રેણીમાં  પાંચ વન-ડે જીત્યું ભારત દક્ષિણ આફ્રિકા સામે શ્રેણીમાં પાંચ વન-ડે જીતવાનો વિક્રમ ભારતે ત્રીજી વખત પોતાના નામે કર્યો છે. આ અગાઉ 2013માં ભારતે ઝિમ્બાબ્વે સામે 5 મેચની શ્રેણીને 5-0થી પોતાના નામે કરી હતી. આવી જ રીતે ગયા વર્ષે શ્રીલંકા પ્રવાસ દરમિયાન શ્રીલંકાને 5-0થી પછાડયું હતું અને હવે દક્ષિણ આફ્રિકાને 5-1થી હરાવ્યું છે. 2018ના 47 દિવસમાં જ કોહલીના 558 રન હજી 2018ની શરૂઆતને માત્ર 47 દિવસ જ વિત્યા છે અને વિરાટ કોહલીએ 500 રનનો આંકડો પાર કરી લીધો છે. દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાં કોહલીએ 558 રન ઝુડી કાઢ્યા હતા. આ સ્કોર એક દ્વિપક્ષીય શ્રેણીમાં કોઈ બેટધર દ્વારા બનાવવામાં આવેલો સર્વાધિક સ્કોર છે. ત્રીજી વખત એક જ ટૂર્નામેન્ટમાં 3 સદી ફટકારવાનો વિક્રમ ભારત તરફથી એક જ ટૂર્નામેન્ટમાં ત્રણ સદી ફટકારવાનો વિક્રમ ત્રીજી વખત બન્યો છે. ભારત માટે સૌથી પહેલાં પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ 2003ના વર્લ્ડ કપમાં ત્રણ સદી ફટકારી હતી. ત્યારબાદ 2004માં વીબી સિરીઝમા વીવીએસ લક્ષ્મણે ત્રણ સદી ફટકારવાનો વિક્રમ બનાવ્યો હતો. આવી રીતે કોહલીએ પણ એક જ સિરીઝમાં કુલ ત્રણ સદી નોંધાવી છે. કોહલી બન્યો સિરીઝમાં સૌથી વધુ રન ફટકારનારો બેટધર આફ્રિકા સામે 558 રન બનાવનારો વિરાટ કોહલી એક જ સિરીઝમાં સૌથી વધારે રન ફટકારવાના મામલામાં પણ આગળ નીકળી ચૂક્યો છે. આ અગાઉ શ્રેણીમાં સૌથી વધુ રનનો રેકોર્ડ રોહિત શર્માના નામે હતો. રોહિતે 2012માં ઓસ્ટ્રેલિયા સામે 491 રન કર્યા હતા. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાના જ્યોર્જ બેલીનું નામ આવે છે. બેલીએ 2013માં જ ભારત સામે 478 રન કર્યા હતા.  કેપ્ટન તરીકે સદી ફટકારવાના વિક્રમમાં વિરાટ બીજા ક્રમાંકે કેપ્ટન તરીકે સૌથી વધુ સદી ફટકારવાના વિક્રમમાં પણ કોહલી પહેલા નંબર તરફ ખૂબ જ ઝડપથી આગળ ધપી રહ્યો છે.  જો કે આ રેસમાં ઓસ્ટ્રેલિયાનો પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ પહેલા નંબરે છે. પોન્ટિંગે કેપ્ટન તરીકે 22 સદી ફટકારી છે. ત્યારબાદ બીજા ક્રમાંકે કોહલીનું નામ આવે છે. જે કેપ્ટન તરીકે 13 સદી કરી ચૂક્યો છે. જો કે કોહલીએ માત્ર 46 ઈનિંગમાં 13 સદી કરી છે જ્યારે પોન્ટિંગે 220 ઈનિંગમાં 22 સદી કરી હતી. બીજી વખત આફ્રિકા તેની જ ધરતી ઉપર પાંચ વન-ડે હાર્યું ક્રિકેટના ઈતિહાસમાં દક્ષિણ આફ્રિકાને તેના જ ઘરમાં 5-1થી હરાવવનો બીજો મોકો બન્યો છે. ઓસ્ટ્રેલિયાએ 2002માં દક્ષિણ આફ્રિકાને તેની જ ધરતી ઉપર 5-1થી હરાવીને શ્રેણી કબ્જે કરી હતી. હવે ભારતે પણ 5-1થી આફ્રિકાને પછાડયું છે.  વિરાટ કોહલીના સૌથી  ઝડપી 9500 રન વિરાટ કોહલી વન-ડેમાં સૌથી ઝડપી 9500 રન બનાવનારો બેટધર બની ગયો છે. વિરાટ કોહલીએ આફ્રિકા સામેની છેલ્લી વન-ડેમાં 41 રન કરતાંની સાથે આ વિક્રમ બનાવ્યો હતો. કોહલીએ માત્ર 208 વન-ડે મેચની 200 ઈનિંગમાં 9500 રન પૂર્ણ કરીને દક્ષિણ આફ્રિકાના ધરખમ બેટ્સમેન એબી ડિવિલિયર્સનો રેકોર્ડ તોડયો હતો. ગયા વર્ષના ઓક્ટોબર માસમાં બાંગલાદેશ સામે 225 વન-ડેની 215 ઈનિંગમાં ડિવિલિયર્સે ઝડપી 9500 રનની સિદ્ધિ મેળવી હતી.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer