અદાણી ફાઉ. દ્વારા કાઠડાના ક્રિકેટરની કૌશલ્ય ખીલવવા પસંદગી

અદાણી ફાઉ. દ્વારા કાઠડાના ક્રિકેટરની કૌશલ્ય ખીલવવા પસંદગી
કાઠડા (તા. માંડવી), તા. 17 : અદાણી ફાઉન્ડેશન મુંદરા દ્વારા સામાજિક ઉતરદાયિત્વની કામગીરી અંતર્ગત આસપાસના માછીમાર ભાઈઓ માટે ક્રિકેટ ટૂર્નામેન્ટનું પણ આયોજન કરાય છે. ત્યારે આ વર્ષે આ ટૂર્નામેન્ટમાં જેણે સારું કૌશલ્ય બતાવ્યું તે ખેલાડી ફકીરમામદ હસણ વાઘેરનો અદાણી ફાઉન્ડેશન દ્વારા એક વર્ષ સુધી સિઝન બોલથી પ્રેક્ટિસનો ખર્ચ ને તેની તમામ જવાબદારી અને પગાર સહિતની સુવિધા આપશે. કાઠડાનો આ ક્રિકેટર એક વર્ષ સુધી રાજકોટ ક્રિકેટ ક્લબમાં સિઝન બોલથી પ્રેક્ટિસ કરશે. એમનો ઘરનો નિર્વાહ ચાલે તે માટે 1 મહિનાનો પગાર રૂા. 12,000 પણ અદાણી ફાઉન્ડેશન આપશે તેવું આ કંપનીના ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું. શ્રી પરમારે જણાવ્યું હતું કે, કંપની દ્વારા શિક્ષણ, આરોગ્ય, ખેતી સહિતની કામગીરી હાથ ધરાય છે. જેમાં માછીમાર ભાઈઓમાં રહેલ કૌશલ્યને બહાર આવે તે માટે ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું હતું. 58 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં કાઠડા અને નવીનાળની ટીમ ફાઈનલમાં પહોંચી હતી અને કંપની દ્વારા નિર્ણય લેવાયો હતો કે, જે ખેલાડી સારું પ્રદર્શન કરશે તેને સિઝન બોલથી ક્રિકેટ માટેની તાલીમ અપાશે અને કાઠડાના આ ખેલાડીએ સારો દેખાવ કર્યો હતો અને તેને ટ્રેનિંગ અપાશે. કાઠડા સરપંચ ભારૂભાઈ ગઢવી, મામદહુસેન આધમ સોઢા, મુબારક સુલેમાન વાઘેર અને વાઘેર જમાતે પણ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer