ખડીરમાં કુદરતી સૌંદર્યનો ખજાનો

ખડીરમાં કુદરતી સૌંદર્યનો ખજાનો
રાપર, તા. 17 : ખડીર એટલે કુદરતી સૌંદર્યનો ખજાનો. એવી જ એક જગ્યા હજી બહાર નથી આવી અને સ્થાનિક લોકો સિવાય કોઈને ખબર પણ નથી એવી છીપર નામની જગ્યા જે ખૂબ જ અદ્ભુત છે. ખડીરના સેવાભાવી સમાજસેવી ભગત મોહનભાઈ અમે ત્રણ કિ.મી. સુધી બાઈકથી, ત્યારબાદ બે કિલોમીટર સુધી ચાલતા કેટલાક સાહસિકો સાથે ત્યાં પહોંચ્યા હતા. સ્થળનો નજારો અલગ છે. એક બાજુ ડુંગર છે તો સામેની બાજુ અફાટ સફેદ રણ છે તેમજ આ છીપર કુદરતી રીતે ખીણમાં લટકે છે. આવી નાની-મોટી ઘણી બધી છીપરો છે. ખડીર ફોલ્ટ લાઈનની ખીણો આવેલી છે. છેક ખડીરના ફોસિલ પાર્કથી ચાલુ થાય અને બેલા આગળ આવીને પૂરી થાય છે. જે એક ધાર જેવી છે જે કાળક્રમે રણ બાજુથી જમીન ખવાતી જાય છે જેમાં વરસાદ અને વરસોની ઊથલપાથલ ધરતીકંપો વગેરેની અસરોથી આવી છીપરો ધીરેધીરે બહાર આવે છે અને અમુક વરસો પછી તે ખીણમાં પડી જાય છે અને આવી જ રીતે ચાલુ રહે છે. આવી જ એક જગ્યા આગળ બોકરગળો પણ આવેલી છે, તે સાગવારી માતાજીથી પાંચ કિલોમીટર ચાલવું પડે છે, ત્યાં પણ એક વિશાળ પથ્થર હતો જે 70 ટકા ખીણ બાજુ નમેલો હતો અને 30 ટકા જમીન બાજુ હતો, પણ ધરતીકંપ પહેલાં એ પથ્થર જમીન બાજુ પડયો અને તે ખડીરનું ઊંચામાં ઊંચું પોઇન્ટ છે ખીણનો અને અદ્ભુત છે અને આજે પણ છે એટલે આવી નાની મોટી ભૂસ્ખલન ચાલુ જ રહે છે. ખડીર આવા અનેક કુદરતી સૌંદર્યના ખજાનાને સંઘરીને બેઠું છે. પ્રવાસન વિભાગને આવી જગ્યાને વિકસાવવાની જરૂર છે તેવી માગણી ઊઠી હતી.  (હેવાલ-તસવીર : સૂર્યશંકર ગોર) 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer