ગુડથરમાં અબડા અડભંગની સેનાના બલિદાન આપનારા સેનાપતિની યાદમાં પ્રવેશદ્વાર બનશે

ગુડથરમાં અબડા અડભંગની સેનાના બલિદાન આપનારા સેનાપતિની યાદમાં પ્રવેશદ્વાર બનશે
નલિયા, તા. 17 : સુમરીઓનું શિયળ બચાવવા બલિદાન આપનારા અને અબડાસા તાલુકો જેના નામથી ઓળખાય છે એવા વીર અબડા અડભંગની સેનાના સેનાપતિ ઓરસિયો મેઘવાળે પણ બલિદાન આપ્યું હતું. તેની સ્મૃતિમાં અબડાસાનાં ગુડથર ગામ પાસે આવેલા મોટા મતિયા સ્થાનક સંકુલમાં સમાજના દાતાના સહકારથી ત્રણ લાખથી વધુના ખર્ચે નવા પ્રવેશદ્વારનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. દાતા સ્વ. લખુભાઇ કાનજી કટુઆની સ્મૃતિમાં તેમના પુત્ર એડવોકેટ લાલજી કટુઆ દ્વારા અપાયેલા દાનમાંથી ઓરસિયા મેઘવાળની કાયમી સ્મૃતિ જળવાશે. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં દાતા પરિવારના જાનબાઇ લખુભાઇ કટુઆ અને કુ. મીતલ કટુઆના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. પ્રારંભમાં સમાજના અગ્રણી ખેતશીભાઇ મહેશ્વરીએ સૌને આવકારી ઓરસિયા મેઘવાળના જીવન વિશે પ્રકાશ પાડી તેમના બલિદાન-કાર્યોને યાદ કર્યા હતા. દાતા પરિવાર વતી લાલજીભાઇ કટુઆએ  ઓરસિયા મેઘવાળની કાયમી સ્મૃતિ જળવાય તે માટે પોતાનો વર્ષો જૂનો સંકલ્પ સિદ્ધ થયો હોવાનું જણાવી અખિલ મહેશ્વરી મોટા મતિયાદેવ મેળા સમિતિના પ્રમુખ લક્ષ્મણભાઇ ભરાડિયાના હકારાત્મક પ્રતિભાવની સરાહના કરી હતી. એન્જિનીયર દીપકભાઇ ફફલે પ્રવેશદ્વારની ટેકનિકલ માહિતી આપી હતી. મંદિર જીર્ણોદ્ધાર સમિતિના પ્રમુખ નારાણભાઇ સોંધરાએ  ઓરસિયા મેઘવાળની કાયમી સ્મૃતિ માટે દાતા પરિવાર આગળ આવતાં ખુશી વ્યકત કરી હતી. આ પ્રસંગે મહેશ્વરી સમાજના ધનજીભાઇ હેંગણા, ગાંગજીભાઇ ભેરડિયા (હાજાપર), દેવજીભાઇ કન્નર રેલડિયા-મંજલ, રમેશભાઇ મહેશ્વરી (એડવોકેટ), દેવરાજભાઇ કટુઆ, માલશીભાઇ પાતારિયા, મનજીભાઇ જીંજક, થાવરભાઇ મહેશ્વરી (વમોટી મોટી) વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન અને આભારવિધિ અખિલ મહેશ્વરી મોટા મતિયાદેવ મેળા સમિતિના મહામંત્રી મોહનભાઇ જાટે સંભાળ્યા હતા. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer