સામાજિક સમરસતા અકબંધ જળવાઇ રહે તેવો સંકલ્પ લેવાયો

સામાજિક સમરસતા અકબંધ જળવાઇ રહે તેવો સંકલ્પ લેવાયો
ભુજ, તા. 17 : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની કાર્યપ્રણાલી મુજબ દર વર્ષની જેમ આ વર્ષે ગુજરાત પ્રદેશ અધિવેશન રાજકોટમાં યોજાયું હતું. કચ્છભરમાંથી ભાઈઓ- બહેનો  ઉપસ્થિત રહ્યા હતા.  અધિવેશનમાં માર્ગદર્શન અર્થે અ.ભા.વિ.પ.ના રાષ્ટ્રીય સહસંગઠન મંત્રી  કે.એન. રઘુનંદનજી, અખિલ ભારતીય વિશ્વવિદ્યાલય કાર્ય પ્રમુખ  શ્રીહરિ બોરીકરજી, રાષ્ટ્રીય મંત્રી  રોહિત મિશ્રાજી, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડો. સી.એન. પટેલ  તેમજ ક્ષેત્રિય સંગઠન મંત્રી સુરેન્દ્રજી નાઈક ઉપસ્થિત રહ્યા હતા. આ અધિવેશનમાં મુખ્યત્વે અ.ભા.વિ.પ.ના નવી દૃષ્ટિ, નવું સ્વરૂપ, ર1મી સદીનું ભારત, સ્ટુડન્ટ ફોર સેવા, સીમાવર્તી વિસ્તારના પડકારો, છાત્રસંઘ ચુનાવ, નવી શિક્ષણનીતિ, રોજગારલક્ષી અભ્યાસક્રમોની વાસ્તવિકતા જેવા વિષયો પર અલગ-અલગ સત્રો યોજાયા હતા અને આ સાથે બે પ્રસ્તાવો પારિત કરવામાં આવ્યા હતા. જેમાં  શૈક્ષણિક અને  રાજ્યની વર્તમાન પરિસ્થિતિ તથા અંતે રાજ્યની પરિસ્થિતિમાં સામાજિક સમરસતા અકબંધ રીતે જળવાઈ રહે તે માટે એક સંકલ્પ પ્રસ્તાવ દ્વારા સમાજિક સમરસતાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. અંતિમ સમાપન સત્રમાં પ્રદેશ અધ્યક્ષ ડો. રવાસિંહ ઝાલા દ્વારા વર્ષ ર018ની નવી કારોબારીની ઘોષણા કરવામાં આવી હતી. કચ્છમાંથી ગુજરાત પ્રદેશના સહમંત્રી તરીકે દિવ્યાબા ગોહિલ અને રામભાઈ ગઢવીને તેમજ પ્રદેશ કારોબારી સદસ્ય તરીકે જયરાજાસિંહ જાડેજા, રવિભાઈ ગઢવી, લાલજીભાઈ આહીર, નિર્મલભાઈ સેંઘાણી, ભાર્ગવભાઈ શાહ તેમજ પ્રાધ્યાપક મનમીતભાઈ વાઢેરની નિમણૂક કરવામાં આવી હતી. કચ્છના જિલ્લા ઈન્ચાર્જ તરીકે જયરાજાસિંહ જાડેજા રહ્યા હતા.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer